જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ટપાલ વિભાગ દ્વારા આજે કોવિડ-૧૯ અંતર્ગત લોકડાઉનના સમયમાં પણ સતત કાર્યરત રહી લોકોની દવાની જરૂરિયાતો, પેન્શનની જરૂરિયાતો વગેરેને ઘરબેઠા પહોંચાડીને લોકોની સેવા કરતા પોસ્ટર વિભાગના પોસ્ટમેન કોરોનાવોરિયર્સને સાંસદ પૂનમબેન માડમના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ તકે સાંસદ હસ્તે ભારતીય વિભાગ દ્વારા કોરોના વોરિયર્સને સલામી રૂપે સ્પેશયલ કેન્સલેશન રજુ કરવામાં આવેલ તે જામનગરના ટપાલ વિભાગને અર્પણ કરાયું હતું.
જામનગર ટપાલ વિભાગ દ્વારા જિલ્લા જેલના કેદીઓને લોકડાઉનમાં પણ ઇ-મનીઓર્ડર આપવા , ગામડે ગામડે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક દ્વારા ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને બેંકના નાણાં આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમથી આપવા, વળી ગંગાસ્વરૂપ બહેનોના પેન્શન તેમને ઘર બેઠા ચૂકવવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે જ્યારે સર્વે કામગીરીઓ બંધ હોય અને આ કોરોના વોરિયર્સ  દ્વારા પોતાના જીવના જોખમે અવિરત સેવા બજાવવામાં આવી છે તે બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા.
સાંસદ પૂનમબેન માડમે કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, જ્યારે લોકો કોઈ વ્યક્તિની નજીક જતાં પણ આજે ડરે છે, ત્યારે સતત કોઈના માટે કામ કરવું એ પોસ્ટલ વિભાગની સેવા ભાવનાને દર્શાવે છે. “આપકા બેંક આપકે દ્વાર”, “ડિજિટલ પેમેન્ટ” વગેરે જેવા નવા રિફોર્મ, નવી યોજનાઓના માધ્યમ દ્વારા આ લોકડાઉનના સમયમાં લોકોની મદદ થઈ શકી છે. પરિવારના સભ્ય તરીકે મજબૂતીથી લોકોની આર્થિક તકલીફના સમયે તેમની સહાય પહોંચતી કરવી કે દવાની જરૂરિયાત પૂર્ણ કરવી વગેરે કામગીરીમાં આ વોરિયર્સ આગળ આવ્યા છે,જે તેમની લોકસેવા દર્શાવે છે.
આ પ્રસંગે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, ગુજરાતના પ્રતિષ્ઠિત ફિલાટેલીસ્ટ  અશોક પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા સુપ્રિટેંડંટ જામનગર ડિવિઝન ટી.એન.મલેક, પોસ્ટ માસ્ટર મહાવીર લાડવા વગેરે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.