• ખંભાળીયા તાલુકાના નાના માંઢા,કજુરડા,મોટા આંબલા,અને ટીંબડી ગામોના રહેણાંક વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા.
જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૮ : તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના નાના આંબલા ગામના રહેવાસીનો કોરોના પોઝીટીવ કેસ જામનગર ખાતે પ્રકાશમાં આવતા કોરોના સંક્રમણના ઝડપી ફેલાતા વાયરસને ધ્યાને લઈને નાના આંબલા ગામના કુલ - ૬૩૮ ઘરમાં ૧૮૩૬ ની કુલ વસ્તીને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટેનું દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરશ્રીએ તા.૦૮/૦૫/૨૦૨૦ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા માં જણાવ્યા મુજબ નાના આંબલા ગામના આવવા અને જવાના રસ્તા પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦% સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવાનો રહેશે. તથા આવવા અને જવાના એકજ માર્ગને બાદ કરતા તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે. આ વિસ્તારમાં આવવા અને જવાના જે એક માર્ગ રાખવામાં આવ્યો છે ત્યાંથી પસાર થતા વાહનોની સપૂર્ણ વિગતનો ડેટા આરોગ્ય વિભાગે નિભાવવાનો રહેશે. આ વિસ્તારના આવવા અને જવાના માર્ગ પર આરોગ્ય વિભાગ,પોલીસ અને આવશ્યક ચીજ વસ્તુઓને જાળવી રાખતી ટીમ દ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાનો રહેશે.

  તમામ આવશ્યક ચીજ વસ્તુ જેવીકે દૂધ,શાકભાજી,કરિયાણું,ખાદ્ય પદાર્થો તેમજ દવાનો પુરવઠો જયારે બહારથી આ વિસ્તારમાં પહોચાડવાનો હોય ત્યારે પ્રવેશ પોઈન્ટ પર અનલોડીંગ કરીને માત્ર હોમ ડીલેવરીથી વ્યવસ્થા મારફત જ વિતરણ કરવાનો રહેશે. હોમ ડીલેવરી કરનાર વ્યક્તિએ સક્ષમ અધિકારી પાસેથી પાસ મેળવવાનો રહેશે.

આ વિસ્તારમાં તબીબી સેવાઓ,કાયદો અને વ્યવસ્થા સબંધિત ફરજો, વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન - જાવન પર નિયંત્રણ કરવામાં આવશે.

ઉપરાંત બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ ખંભાળીયા તાલુકાના નાના માંઢા કુલ ઘર - ૪૭૧ વસ્તી - ૧૯૯૯ , કજુરડા કુલ ઘર - ૫૯૨ વસ્તી - ૧૯૧૩ , મોટા આંબલા કુલ ઘર - ૧૭૧ વસ્તી - ૭૧૨ અને ટીંબડી કુલ ઘર - ૨૧૨ વસ્તી - ૧૧૦૨ વાળા આ વિસ્તારમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત અવર-જવર માટે માત્ર એકજ માર્ગ ખુલ્લો રાખવામાં આવશે આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે માત્ર સવારે ૦૮.૦૦ કલાક થી બપોરના ૧૨.૦૦ કલાક સુધી મુક્તિ આપવામાં આવશે.