જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં કોરોના વાયરસનું લોકલ ટ્રાન્સમિશન ધ્યાનમાં આવ્યા પછી એક કોરોના વાયરસના પોઝિટિવ કેસ ને ધ્યાનમા લઈને સાવચેતીના ભાગપે ત્રણ બત્તી વિસ્તારને ત્રણ દિવસથી સીલ કરવામાં આવ્યો છે, દરમિયાન આજે ટાઉનહોલ થી ત્રણબત્તી તરફ આવતા માર્ગને પણ બંધ કરી ડાયવર્ટ કરાયા પછી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાયો હતો, રણજીત રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી આ ટ્રાફિક ડાયવર્ટ કરવાના ભાગરૂપે નિર્ણય લેવાયો હતો.
ત્રણ બત્તી વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, દરમ્યાનમાં છૂટછાટ મળતા શહેરમાં રણજીતરોડ, ગ્રેઇન માર્કેટ, દરબારગઢ તરફનો માર્ગ પર વારંવાર ભીડભાડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો હતો, દરમ્યાન આજે સવારે ટાઉનહોલ થી ત્રણ બત્તી તરફ આવવાના માર્ગને પણ પોલીસ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. અને ટાઉનહોલ તરફના વાહનો ને પંચેશ્વર ટાવર તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો, રણજીત રોડ પર ભીડ ન થાય તે માટે દરબારગઢ પર તરફ જતો ટ્રાફિક પંચેશ્ર્વર ટાવર થઇને જાય એ રીતે ટાઉનહોલ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું એ પછી કલાકોની ગણતરીમાં ખોલી નાખી ટ્રાફિક રાબેતા કરી દેવાયો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે, જુના રેલ્વે સ્ટેશનથી ત્રણબત્તી તરફનો માર્ગ પણ બંધ કરાયો છે, ગ્રેઇન માર્કેટમાં ખોટી ભીડભાડ ન થાય અને ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે આ વિસ્તારના ટ્રાફિકને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે લોક ડાઉન-4 માં છૂટછાટ દરમિયાન સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રણજીત રોડ પર ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી તે ટ્રાફિકને હળવો કરવાના ભાગરૂપે આ રસ્તો બંધ કરાયો છે, અને વાહન વ્યવહારને પંચેશ્વર ટાવર રોડ તરફ ડાયવર્ટ કરાયો છે.