• ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરોને પાડોશીઓએ પડકારતાં ભાગી છુટ્યા: પોલીસ દ્વારા નાકાબંધી

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ માં આવેલી સેવા સહકારી મંડળીની ઓફિસના ગઇરાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેના અવાજથી જાગી ગયેલા પાડોશીઓએ તસ્કરોને પડકારતાં ત્રણ તસ્કરો ભાગી છૂટયા હતા. જેને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ ત્રણેય ભાગી જવામાં સફળ થયા છે, જેને પોલીસ શોધી રહી છે.
 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સિદસર ગામ માં આવેલી સેવા સહકારી મંડળીની ઓફિસના ગઈ મોડી રાત્રિ દરમિયાન કોઈ તસ્કરોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રીના ત્રણેક વાગ્યાના સમય દરમિયાન અવાજ થયો હોવાથી આડોશી-પાડોશી જાગી ગયા હતા. જેઓનું ધ્યાન પડતાં ૩ બુકાનીધારી શખ્સો સહકારી મંડળીના ઓફિસના તાળા અને ગ્રીલ તોડી અંદર સ્ટોર રૂમમાં બારી તથા લોખંડની ગ્રીલ તોડી નાખી ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને પડકાર્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
 જેથી જામજોધપુરની પોલીસ ટુકડી ત્યાં આવી પહોંચે તે પહેલા ત્રણેય તસ્કરો ત્યાંથી ભાગી છૂટયા હતા. જામજોધપુર પોલીસે તસ્કરોને પકડવા માટે નાકાબંધી પણ કરી હતી. પરંતુ તેઓ ભાગી છૂટવામાં સફળ થયા છે. પોલીસે સહકારી મંડળીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં પણ ત્રણેય તસ્કરોએ કેદ થયા છે. પરંતુ મોઢે કપડું બાંધેલું હોવાથી તેની ઓળખ થઇ શકી નથી. પરંતુ તેના કપડાના વર્ણનના આધારે શોધખોળ ચલાવવામાં આવી રહી છે.