વાડી માલિક પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરી હત્યા પ્રયાસ કરી ચલાવાઈ લૂંટ: આઠ જેટલા લૂટારૂ શખ્સો ૧૬ તોલા સોનુ -દોઢ લાખની રોકડ અને એક કાર સહિતની માલમતા ઉઠાવી ગયા ની ફરિયાદ: લૂંટારૂ શખ્સો વાડી માલિક પરિવારને માર મારી બંધ કરી દઈ ભાગી છુટતાં પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરાઇ

જામનગર મોર્નિંગ - જામનગર 




જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાં અડધી રાત્રે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી, અને એક વાડીમા પ્રવેશી વાડી માલિક પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરી ગંભીર રૂપે ઘાયલ કર્યા હતા, અને ભય બતાવી મકાનમાંથી ૧૬ તોલા સોનાના દાગીના દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ અને એક કાર તથા મોબાઇલ સહિત માલ મત્તાની લૂંટ કરી ભાગી છૂટયા હતા. આઠ જેટલા શખ્સોએ વાડી માલિક પરિવારને બંધ કરી દઈ ભાગી છુટ્યા હોવાથી પોલીસે વહેલી સવારે લૂટારૂઓ ને પકડવા નાકાબંધી કરી હતી

 પરંતુ લુંટારૂઓ ભાગી છૂટવામાં સફળ થયા છે. જેની સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જ્યારે ઇજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

 આ ભારે ચકચાર જનક હત્યા પ્રયાસ અને લૂંટના બનાવની વિગત એવી છે, કે જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામમાં વાડી વિસતાર રહેતા અને ખેતીકામ કરતા વિક્રમભાઈ ઓડેદરા નામના મેર પરિવાર ની વાડી માં ગઈ રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં આઠ જેટલા ૨૫ થી ૩૦ વર્ષની વયના મોઢે માસ્ક બંધી ટ્રેક ટી-શર્ટ પહેરેલા લુટારુ સખ્શો ઘુસી આવ્યા હતા, અને ધોકા પાઇપ જેવા હથિયારો વડે મેર પરિવાર પર આડેધડ હુમલો કરી દીધો હતો.

 જેમાં વાડી માલિક વિક્રમભાઈ ઉપરાંત તેના પુત્ર રામભાઈ (ઉંમર વર્ષ ૨૧) અને પુત્રી (નીરૂબેન ઉંમર વર્ષ ૨૨) કે જેઓ પર ઘાતક હુમલો કરી દીધો હતો.

 સૌપ્રથમ લાકડાના ધોકા વડે વિક્રમભાઈને મારી ઓસરીમાં ઘાયલ કરી દીધા હતા. ત્યાર પછી તેના પુત્રી નીરૂબેન દોડી આવતા તેમના માથા પર જીવલેણ ઘા મારી દીધો હતો, અને હેમરાજ તેમજ ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી દીધી હતી.

જ્યારે બાજુના રૂમમાં સૂતેલા વિક્રમભાઈ ના પુત્ર રામભાઈ પણ અવાજ સાંભળીને દોડી આવ્યા હતા જેઓ પર પણ તમામ લુંટારૂઓએ હુમલો કરી દીધો હતો, અને ભય બતાવી ઘરમાં રોકડા રૂપિયા ક્યાં રાખ્યા છે. તે બતાવો નહીંતર તમને તમામને પૂરા કરી નાખશું તેવી ધમકી આપી એક ઓરડા ના લાકડાના કબાટના ખાનામાં રાખેલી રૂપિયા દોઢ લાખની રોકડ રકમ આંચકી લીધી હતી.

 ત્યાર પછી વાડી માલીક પરિવારના અંદાજે ૧૬ તોલા સોનાના દાગીના ની પણ લૂંટ ચલાવી હતી. જેમાં સોનાના ત્રણ ચેઇન, એક પેન્ડન્ટ સેટ, એક મંગળસૂત્ર, એક હાથ નો પંજો, બે સોનાની વીંટી, વગેરે કે જેની કિંમત ૫ લાખ ૬૦ હજાર જેટલી થવા જાય છે.

 ઉપરાંત ત્રણેયના મોબાઈલ ફોન આંચકી લીધા હતા, અને વાડીના ફળિયામાં પાર્ક કરેલી કાર ની ચાવી પણ છીનવી લઇ તમામ લુટારૂ શખ્સો વાડી માલિક પરિવારને રૂમમાં પૂરી દઇ મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, અને કારમાં બેસીને ભાગી છૂટયા હતા.

 તમામ સભ્યો ના મોબાઇલ ફોન પણ લઈને ભાગી છૂટયા હોવાથી બહાર નીકળવું અશક્ય હતું. ત્યાર પછી મોડેથી આડોશી-પાડોશીઓએ દોડી આવી ને દરવાજો ખોલતા ઇજાગ્રસ્ત વાડી માલિક પરિવારને સૌ પ્રથમ સારવાર માટે ૧૦૮ની એમ્બ્યુલન્સમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં નીરૂબેન ને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

 લૂંટ અને જીવલેણ હુમલા અંગેના બનાવની પોલીસને જાણ થતા પંચકોશી બી ડિવિઝન પોલીસ નો કાફલો ઘટનાસ્થળે તેમ જ જી જી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને લુટારો ને પકડવા માટે ચોતરફ નાકાબંધી કરી હતી. પરંતુ તમામ શખ્સો ભાગી છુટવામાં સફળ થયા હતા. પોલીસે રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાની ફરિયાદના આધારે આશરે ૨૫થી ૩૦ વર્ષની વયના આઠ અજ્ઞાત લુંટારૂ શખ્સો સામે આઇપીસી કલમ ૩૯૭, ૩૯૫,૫૦૬-૨,૩૪૨,૪૪૭ અને જી પી એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારૂઓને પકડવા દોડધામ કરી છે.

 મતદાન પ્રક્રિયાના અનુસંધાને તમામ પોલીસ સ્ટાફ ચૂંટણી બંદોબસ્તમાં ગોઠવાયેલો હોવાથી લૂંટારૂ ટોળકીએ તકનો લાભ લઇ હત્યા પ્રયાસ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ટુકડી તમામ આરોપીઓને શોધવા માટે દોડધામ કરી રહી છે.