• ઘરમાં લાઈટ ગઈ હોવાથી બાથરૂમ માં દીવો સળગાવી ન્હાવા જતી વખતે સળગતો દીવો માથે પડતા ભડથું થઈ ગઈ

 જામનગર તા ૩, જામનગર તાલુકાના મોખાણા ગામ માં વિચિત્ર અગ્નિ અકસ્માતમાં એક અપરણિત યુવતીનો ભોગ લેવાયો છે. પોતાના ઘેર લાઈટ ગઈ હોવાથી દીવો સળગાવીને બાથરૂમમાં નહાવા જતાં સળગતો દીવો માથે પડવાથી ગંભીર રીતે દાઝી ગઈ હતી, અને તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

 આ વિચિત્ર અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામનગર તાલુકાના મોખાણા ગામ માં રહેતી વિરલબેન હેમંતભાઈ જાટિયા નામની ૨૧ વર્ષની અપરિણીત યુવતી ગત ૨૮.૪.૨૦૨૧ ના દિવસે પોતાના ઘેર લાઈટ ગઈ હોવાથી બાથરુમમાં દીવો સળગાવી નાહવા માટે ગઈ હતી. જે દરમિયાન બાથરૂમમાં ઉપરના ભાગે રાખેલો સળગતો દીવો તેણી ઉપર પડ્યો હતો અને આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

 જેથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેણે નું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો જી. જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને વિરલબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનો ના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.