જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસે ઓખાના એક રીઢા ગુનેગાર સામે કાર્યવાહી કરી, પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરી આપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા રાજુભા ઉર્ફે રાજભા ભીખુભા કેર નામના 26 વર્ષના હિન્દુ વાઘેર શખ્સ સામે વર્ષ 2018 માં હત્યા ઉપરાંત તેની સામે મારામારી, એટ્રોસિટી સહિતના વિવિધ શરીર સંબંધી ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

 દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે માટે એલસીબી પોલીસને કડક હાથે કાર્યવાહી કરવાની આપવામાં આવેલી સૂચના અંતર્ગત ઉપરોક્ત આરોપી રાજભા ભીખુપા કેર સામે એલસીબી પોલીસ દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા સમક્ષ મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતા એલસીબી પોલીસે અટકાયતી વોરંટ ઇસ્યુ કરી, ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વિપુલભાઈ ડાંગર, અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છૂછર, મેહુલભાઈ રાઠોડ તથા સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.