પ્રેમ લગ્ન સંદર્ભે લાલબત્તી સમાન કિસ્સો
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
અભયમ 181 હેલ્પ લાઇનમાં એક યુવતીના માતાએ ગત તા. 9 માર્ચના રોજ ફોન કરીને તેમની પુત્રીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોવાનું કહી અને તેઓ તેમની દીકરીને મળવા જાય તો મળવા કે વાત કરવા દેતા નથી તેમ જણાવ્યું હતું.
જેથી 181 ની ટીમ મદદ માટે પહોંચી હતી. 181 ની ટીમએ આ સ્થળે જઈને રૂબરૂ યુવતીનું કાઉન્સિલિંગ કરીને પૂછપરછ કરતાં યુવતી દ્વારા જાણવા મળ્યું હતું કે "દસ મહિના પહેલા મેં ભાગીને લગ્ન કર્યા હતા. ત્યાર બાદ મારા પતિ મને ઘરમાં પૂરીને રાખતા. મારા સાસુ, નણંદ બધા જ મને અવાર-નવાર મેણાં બોલીને માનસિક ત્રાસ આપતા હતા. આખો દિવસ કામ પૂરું થયા પછી પણ વારંવાર ઘરના કામ કરાવ્યા રાખતા. જો હું ઘરેથી જવાનું કહું તો મારા પતિ મને ધમકી આપતા કે હું તારા ભાઈઓને મારી નાખીશ. છતાં એકવાર હું હિંમત કરીને મારા પિયર જતી રહી. પરંતુ સાત લોકો આવીને મને જબરદસ્તી લઈ ગયા હતા અને ઘરે લાવીને ધમકીઓ આપી. જેથી હું ખૂબ ડરી ગઈ હતી અને આગળ કાંઈ પણ કરી શકું એમ ન હતી."
"બે દિવસ પહેલા મંદિરે માનતા છે એવું બહાનું કાઢી અને ખૂબ મનાવવા બાદ મારા પતિએ મને મંદિરે જવા દીધી. ત્યાં એક અજાણ્યા માણસ પાસેથી મેં કોઈને ખબર ના પડે તે રીતે ફોન કરીને મારા માતા સાથે વાત કરીને મને અહીંથી લઈ જાઓ અને મને અહીંયા ખૂબ હેરાનગતિ છે."- તેમ જણાવ્યું હતું.
પરંતુ મારા માતાએ જણાવ્યું કે હું કઈ રીતના મદદ કરી શકું. મેં એમને જણાવ્યું કે તમે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ મંગાવજો. એ આપણી મદદ કરશે. મેં ઘણીવાર ન્યુઝ પેપરમાં જોયું છે તેમની કામગીરી વિશે ખૂબ સાંભળ્યું છે. તો તમે એમને લઈને આવજો.
181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા બાદ ટૂંક સમયમાં જ 181 ની ટીમના કાઉન્સિલર મનિષાબેન રમેશભાઈ વઢવાણા અને કોન્સ્ટેબલ ઈલાબા ખેર આ સ્થળ પર પહોંચીને યુવતીનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેમનો નિર્ણય તેમના માતા સાથે રહેવાનો હતો. સાસરી પક્ષને સમજાવ્યા છતાં સમજવા તૈયાર થયા નહીં અને યુવતીને જબરદસ્તી પકડી રાખેલ. જેથી તેમને કાયદાનું ભાન કરાવ્યું અને સમજાવ્યા બાદ યુવતીને જવા દેવા તૈયાર થયા હતા.
બાદમાં 181 ની ટીમે યુવતીને સુરક્ષિત રીતે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં તેમના માતાને સોંપી હતી. જેથી યુવતીના માતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
0 Comments
Post a Comment