નવાગામ ઘેડમાં રહેતી એક મહિલા સહિત બે વ્યાજખોરો સામે ગેરકાયદે નાણાં ઘીરધાર કરવા અંગે નોંધાવી ફરિયાદ: બંને આરોપીઓએ વિપ્ર મહિલા પાસેથી કોરા ચેક લખાવી લીધા પછી અદાલતમાં ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવી

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના લીમડા લેન વિસ્તારમાં રહેતી એક વીપ્ર વેપારી મહિલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ છે, અને નવાગામ ઘેડ વિસ્તારની એક મહિલા સહિતના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. બંને વ્યાજખોરોએ ગેરકાયદે ૧૦ ટકા લેખે નાણાં ધીર ધાર કર્યા પછી મહિલા પાસેથી કોરા ચેક લખાવી લીધા હતા, જેમાં સાડા છ લાખની રકમ ભરી ચેક અદાલતમાં રિટર્ન કરાવી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના લીમડાલેન વિસ્તારમાં રહેતી અને ગાંધીનગર મેઇન રોડ પર ઘર વપરાશ ની ચીજ વસ્તુઓનું વેચાણ કરતી ચાર્મીબેન ગજાનંદભાઈ વ્યાસ નામની ૩૯ વર્ષની વેપારી મહિલાએ પોતાને ગેરકાયદે ૨૦ ટકા લેખે નાણા ધીરધાર કર્યા પછી બળ જબરીપૂર્વક ચેક લખાવી લેવા અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં મધુરમ સોસાયટીમાં રહેતી ઈલાબા જાડેજા તથા વિરમભાઈ વાઘમશી નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને પોલીસે મની લોન્ડરીંગ એક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ચાર્મીબેન વ્યાસ કે જેઓએ આરોપી વિરમભાઈ તથા ઇલાબા જાડેજા પાસેથી માસિક ૧૦ ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા હતા જેની વ્યાજની રકમ ચૂકવી દીધા પછી પણ બન્ને શખ્સો દ્વારા વધુ પૈસાની માંગણી સાથે ધાક ધમકી અપાતી હતી અને ચાર્મીબેન કે જેમણે દત્તક લીધેલી પુત્રી કે જેમના નામના કોરા ચેક મેળવી લીધા પછી બંને આરોપીઓએ તેમાં સાડા છ લાખની રકમ ભરી લઇ ચેક બેંક મા રિટર્ન કરાવી લીધા હતા, અને  ચાર્મીબેન સામે ચેક રીટર્ન અંગેની પણ ફરિયાદ  દાખલ કરાવી છે. જે સમગ્ર મામલો આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે બંને આરોપીઓ સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ૨૦૧૧ કલમ ૫, ૩૯, ૪૦, ૪૨, તેમજ આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. 








.