પોલીસ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા જળવાઈ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિપોત્સવી તથા નૂતન વર્ષના તહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરીને નવું વર્ષ શરૂ કર્યું હતું. એકંદરે દ્વારકાના જગત મંદિરમાં હર હંમેશ ભક્તોની ભીડ જોવા મળે છે, પરંતુ હાલ દિવાળીના પાંચ દિવસ દરમિયાન ઉજવાતા તહેવારોમાં વિશેષ ભીડ જોવા મળી હતી.
સમગ્ર દ્વારકા પંથકમાં સ્થાનિકો તથા બહારગામથી મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ રહી હતી. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી, ભક્તોએ ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી લોકોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
દ્વારકા આસપાસના રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ બીચ, ઓખામઢી, કાચબા ઉછેર કેન્દ્ર વિગેરે જોવાલાયક સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ રહી હતી.
દિપોત્સવી પર્વ નિમિત્તે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તથા જગત મંદિર વહીવટદાર સમિતિ દ્વારા તમામ બાબતે સુચારૂ વ્યવસ્થા હોવાથી લોકોએ કોઈ હાલાકી વગર દર્શન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તહેવારો દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો-પ્રવાસીઓના આગમનથી વિવિધ ધંધાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
0 Comments
Post a Comment