સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને પણ તસ્કરોએ છોડી નથી, અને દરગાહની અંદર રહેલ દાન પેટીમાંથી રૂપિયા 1.75 લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં આવેલ વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને કોઈ તસ્કરોએ ગત તારીખ 14ના રાત્રીના નિશાન બનાવી હતી, અને દરગાહની અંદર પ્રવેશ મેળવી લઈ મુખ્ય દરવાજાનું તાળુ તોડી કોઈ તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ત્યાર બાદ અંદર રહેલી લાકડાની દાન પેટી જેનું લોક તોડી નાખી અંદાજે અંદરથી રૂપિયા 1.75 લાખની રોકડ રકમ પરચુરણ વગેરે ચોરી કરીને નાસી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે દરગાહમાં નમાજ પાડવાનું કામ કરતા અદનાન કુરેશીભાઈ ખોમોશીએ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી કેમેરાના ફૂટેજની  મદદથી તસ્કરોને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.