રણજિત સાગર રોડ ઈવા પાર્ક ૧ વિસ્તારની ઘટના: મહિલા ગંભીરરીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ: આરોપીને પોલીસે ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઇવા પાર્ક-૧ વિસ્તારમાં શુક્રવારે રાત્રે સર્જાયેલા ભયાનક કાર અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અતિવેગે દોડી રહેલી એક કાર રસ્તા ક્રોસ કરી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારી દે છે.

આ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે મહિલાને ઘણે દૂર સુધી ફંગોળી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ બનાવની જાણ પોલીસને કરતાં ભાવેશ શંકરભાઇ દામા નામના શખ્સને પોલીસ ઉઠાવી ગઈ હતી. 


આ ઘટનાએ એક વખત ફરી શહેરમાં વધી રહેલા ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યા સામે આંગળી ચીંધી છે. અતિવેગે વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ જોયા વિના વાહન ચલાવવું જેવા ગુનાઓને કારણે આવા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે.  આ ઘટના બાદ લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્રને પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સાથે સાથે, ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો કરવા જોઈએ.

તેમજ આ ઘટના બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ભાવેશ નામનો કારચાલક નશાની હાલતમાં હોય અને પુરઝડપે કાર ચલાવી મહિલાને હડફેટે લીધી હતી, તેમજ પોતાની જીજે 10 ટીવાય 1394 નંબરની કારમાં પોલીસ ન હોવા છતાં પાછળ પોલીસ લખીને ફરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.