સીટી એ ડિવિઝન પોલીસે ૧,૯૨૦ નંગ બિયરના ટીન અને બોલેરો સહિત ૫.૯૭ લાખની માલમતા સાથે એકને પકડ્યો: અન્ય એક ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર 

મોરબીથી જામનગરમાં બોલેરો પીકપ વેન મારફતે ઘુસાડવામાં આવેલો બિયરનો મોટો જથ્થો સીટી એ ડિવિઝન પોલીસે શુક્રવારે રાત્રે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને એક બુટલેગરની અટકાયત કરી લઈ ૧૯૨૦ નંગ બિયરના ટીન અને બોલેરો સહિત રૂપિયા ૫.૯૭ લાખની માલમતા કબજે કરી છે, જ્યારે આગળ બાઈકમાં બોલેરોને એસ્કોર્ટ કરી રહેલા શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરના સીટી એ ડિવિઝનના રાજેન્દ્રસિંહ ડોડીયા, યોગેન્દ્રસિંહ સોઢા અને હરપાલસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીથી બોલેરો પીકપ વેનમાં બિયરનો મોટો જથ્થો ભરીને અડધી રાત્રે જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એન. રાઠોડની સૂચનાથી પોલીસે શુક્રવારે મોડી રાત્રે ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન સૌ પ્રથમ એક શખ્સ બાઈકમાં આવી રહ્યો હતો, અને તેની પાછળ એક બોલેરો પીકપ વેનને પોતે એસ્કોર્ટ કરી રહ્યો હતો. જે જીજે ૩ એનએમ ૮૧૭૯ નંબરની બાઈકનો ચાલક પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો. પરંતુ જીજે ૩૬ ટી ૬૦૧૮ નંબરની બોલેરો પીકપ વેનને પોલીસે આંતરી લીધી હતી. જેની તલાસી લેતાં અંદરથી ૧,૯૨૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે બિયરના ટીન અને બોલેરો સહિત ફૂલ ૫,૯૭,૦૦૦ની માલમતા કબજે કરી હતી, જ્યારે બોલેરોના ચાલક મૂળ રાજસ્થાનના વતની મનોહરલાલ ભગવાનરામ બિશ્નોયની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછના આધારે આગળ બાઈક લઈને ભાગી છુટેલા રાજસ્થાનના રાજુરામ બિશ્નોયને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. જે પકડાયા બાદ બિયરનો જથ્થો જામનગરમાં ક્યાં ઉતારવાનો હતો, તેની હકીકત જાણવા મળશે તેમ મનાઈ રહ્યું છે.