ધ્રોલમાં નીલકંઠ સોસાયટીમાં આવેલા મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૧.૮૦ લાખની માલમતા ઉઠાવી ગયા: ધ્રોલ પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા ચડ્ડી બનીયન ધારી ચાર શખ્સ દેખાયા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામના વતની કે જે ગામના વતની કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે, જેમના પાડોશી ખેડૂત ના ધ્રોળમાં આવેલા બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા ૧ લાખ ૮૦ હજારની માલમતાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં  ચાર ચડ્ડી બનીયનધારી શખ્સો ની ટોળકી નજરે પડી હોવાથી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના વતન મોટા ઈટાળા ગામના વતની વિજયભાઈ વલ્લભભાઈ મુંગરા નામના ૪૨ વર્ષના ખેડૂત  યુવાન કે જેમનું મકાન હાલ ધ્રોળ માં નીલકંઠ પાર્ક સોસાયટીમાં આવેલું છે, જયારે મોટા ઈટાળા ગામમાં ખેતીવાડી ધરાવે છે.

તેઓ ગત ૧૮મી તારીખે ધ્રોળનું મકાન બંધ રાખીને મોટાઈટાળા ગામે ગયા હતા. દરમિયાન પાછળથી તેમના બંધ મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લઈ દરવાજાનો નકુચો અને તાળા તોડીને અંદર ઘુસી ગયા હતા.

ત્યાં તસ્કરો એ કબાટના દરવાજા નો લોક તોડી તિજોરીમાંથી રૂપિયા ૨૦,૦૦૦ ની રકમ ઉપરાંત જુદા જુદા સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૧,૮૦,૪૦૦ ની માલમતા ઉઠાવી ગયા હતા. જે બનાવ બાબતે ખેડૂત વિજયભાઈએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળના પી.એસ.આઇ પી જી પનારા હબનાવના સ્થળે દોડી ગયા હતા અને મકાનની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા એક સીસીટીવી કેમેરા ના ફૂટેજ માં ચાર ચડ્ડી બનીયાન ટોળકીના સભ્યો દેખાયા હોવાથી પોલીસે તેઓને શોધખોળ શરૂ કરી છે.