વાડીએ જતી વખતે વાહન અથડાતાં નુકસાનીના ૨૦,૦૦૦ માંગી હુમલો કરાયો: વધુ સારવાર માટે જામનગર ખસેડાયા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગા તેમજ તેના ભાઈ હસમુખભાઈ દોંગા ઉપર ત્રણ વ્યક્તિએ હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. બંને ઈજાગ્રસ્ત ને સૌપ્રથમ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો અનુસાર કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગા ના ભાઈ હસમુખભાઈ દોંગા કે જેઓ પોતાનું વાહન લઈને વાડીએ જઈ રહ્યા હતા, જે દરમિયાન એક બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નુકસાન થયું છે તેમ કહી સામાવાળા ત્રણ વ્યક્તિએ નુકસાની ના ૨૦,૦૦૦ રૂપિયા ની માંગણી કરી હતી. ત્યારબાદ તેઓએ પોતાના ભાઈ રમેશભાઈને બોલાવી લીધા હતા.

જ્યાં બંને ભાઈઓ પર ત્રણેય વ્યક્તિએ હુમલો કરી દેતાં કાલાવડમાં ભારે ચર્ચા જાગી છે.  આ બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસની ટુકડી જામનગરની સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ છે અને આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.