વાડીની કાંટાળી તારમાં ગેરકાયદે વીજ જોડાણ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો: પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને અન્ય સ્થળે ફેંકી દેનાર શ્રમિક દંપત્તિ સામે પણ ગુનો નોંધાયો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં એક શ્રમિક યુવાનનું વિજ આંચકો લાગવાથી મૃત્યુ થવા અંગેના પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. એક ખેડૂતે પોતાની વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દેતાં તેને વિજ આંચકો લાગ્યો હોવાથી મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પુરાવાનો નાશ કરવાના ભાગરૂપે તે જ વાડીમાં કામ કરતાં શ્રમિક દંપત્તિએ મૃતદેહને અન્ય સ્થળે ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં રહીને ખેત મજૂરી કરતા લાલુભાઈ સાહેબસિંહ અજનાર નામના આદિવાસી શ્રમિક યુવાન ને ગત ૨૯મી તારીખે વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ અંગે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને જોડીયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂત ભાયાભાઈ નારણભાઈ કંડોરીયા એ પોતાની મગફળી ના વાવેતર કરેલી વાડીના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જેથી શ્રમિક યુવાનનું વિજ આંચકો લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારબાદ તે જ વાડીમાં કામ કરતા શ્રમીક દંપત્તી કાલુભાઈ ભુરસિંહ અને તેની પત્ની કારીબેન કે જે બંનેએ એકબીજાની મદદગારી કરી ને મૃત્યુ પામેલા શ્રમિક યુવાન ના મૃતદેહ ને વાડીથી દૂર લઈ અન્ય સ્થળે ફેંકી દીધો હતો, જેથી પુરાવાનો નાશ કરવાના ભાગરૂપે કે શ્રમિક દંપતિ સામે પણ ગુંન્હો નોંધવામાં આવ્યો છે.
પોલીસે મૃતક ની પત્ની રેખાબેનની ફરિયાદના આધારે વાડી માલિક અને શ્રમિક ખેડૂત દંપતી સામે ગુનો નોંધ્યો છે.
0 Comments
Post a Comment