મહીલા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારી પ્રસુતિ અર્થે ભાઈના ઘેર આવ્યા બાદ ભાઈબીજના દિવસે જ હૃદય થંભી જવાથી ભારે કરુણતા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસ્તુતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે. માત્ર ૩૩ વર્ષની વયના મહિલા પોલીસ કર્મચારીના મૃત્યુના સમાચારથી પરિવારજનો સ્તબ્ધ બન્યા છે.
આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -૨ માં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ કે જેઓ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતર્યા હતા, અને છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસુતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા.
જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે જ સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં નાહવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેન નું મૃત્યુ નીપજ્યું હતું.
તેઓના લગ્ન માત્ર અઢી વર્ષ પહેલા થયા હતા, અને પ્રસુતિ અર્થે પોતાના માવતરે આવ્યા બાદ આજથી બે મહિના પહેલાં તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બે માસની પુત્રી સાથે પોતાના માતાના ઘેર રોકાયા હતા, જે દરમિયાન આ બનાવ બની જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે.
સેજલબેનના સાસુ-સસરા કે જેઓ જામનગરમાં જ રહે છે, પરંતુ તેઓ હાલ યાત્રા પ્રવાસમાં ગયા હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી, અને તાત્કાલિક અસરથી તેઓ જામનગર દોડી આવ્યા છે, અને સમગ્ર પરિવારમાં ગમગીની ફેલાઈ છે.
0 Comments
Post a Comment