બેન્કની વિજિલન્સ ટિમના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું: પોલીસ દ્વારા કેશિયરની શોધખોળ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાં આવેલી ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્ક નો કેશીયર પોતાના હોદ્દા નો દૂરઉપયોગ કરીને બેંકમાંથી રૂપિયા ૩૪.૪૫ લાખની રોકડ લઈને ફરાર થઈ ગયો હોવાથી વિજિલન્સ ની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર પોલીસ ફરારી કેશિયરને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની શાખામાં ધવલ મનસુખભાઈ સાદરીયા કેશિયર તરીકે ફરજ બજાવે છે, જેણે તાજેતરમાં તારીખ ૨૩.૧૦.૨૦૨૪ થી ૨૮.૧૦.૨૦૨૪ ના પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને બેંક ની તિજોરીમાં રાખવામાં આવેલી રૂપિયા ૩૪ લાખ ૪૫ હજારની રોકડ રકમ કે જે ઉપાડી લીધી હતી, અને રકમ સાથે બારોબાર રફુચક્કર થઈ ગયો હતો.
દરમિયાન તાજેતરમાં ડીસ્ટ્રીક કો- ઓપરેટિવ બેંકની વિજિલન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ હસમુખભાઈ પંડ્યા ને બોલાવીને તિજોરી ખોલાવી ચેકિંગ કરતાં તેમાં માત્ર પરચુરણ રકમ જોવા મળી હતી, અને બેંકના હિસાબ પ્રમાણે ૩૪ લાખ ૪૫ હજારની રોકડ રકમ ગાયબ હતી.
બેંકનો કેશિયર, કે જેની ચાવી પોતાની પાસે રાખતો હોવાથી બેંકના ઇન્ચાર્જ મેનેજર દ્વારા તેની ચાવી મંગાવવામાં આવી હતી, ત્યારે પોતે કાકા મારફતે ચાવી મોકલાવીને ગાયબ થયો હતો, અને પાંચ દિવસના સમયગાળા નો મોકો શોધીને રોકડ રકમ સાથે ગાયબ થઈ ગયો હતો.
જેથી બેંકના ઇન્ચાર્જ મેનેજર રાહુલભાઈ પંડ્યા ની ફરિયાદના આધારે કેશીયર ધવલભાઇ સાદરીયા સામે જામજોધપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાત ને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને ફરાર થઈ ગયેલા કેશિયરની જામજોધપુર પોલીસ શોધખોળ ચલાવી રહી છે.
0 Comments
Post a Comment