ઇન્જેક્શન-બાટલા સહિતની સામગ્રી કબ્જે 


જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર નજીક લાલપુર તાલુકામાં કાનાલુસ ગામ પાસે આવેલી મજૂરોની વસાહતની વચ્ચે કેટલાક બોગસ તબીબો ગેરકાયદે રીતે મેડિકલ પ્રેકટીશ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એસઓજી શાખાની ટીમ રવિવારે બપોરે દરોડો પાડી માત્ર 10 ચોપડી ભણેલા એવા ત્રણ બોગસ તબીબોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી જુદી-જુદી દવાઓ વગેરેનો જથ્થો કબ્જે કરી લીધો છે જે ત્રણેય સામે લાલપુર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે. 
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામ પાસે મજૂરોની મોટી વસાહત આવેલી છે જેમાં એલસી 8 નંબરની કોલોની વિસ્તારમાં જુદા જુદા ત્રણ સ્થળોએ પતરાની કેબિનમાં દવાખાના ધમધમી રહ્યા છે અને દર્દીઓને સારવાર અપાઈ રહી છે પરંતુ તે દવાખાનામાં દર્દીઓને દવા આપનાર ત્રણેય તબીબો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે મેડિકલ પ્રેકટીશ કરી દર્દીઓના સ્વાસ્થય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી એસઓજી શાખાને મળી હતી. 
જેથી એસઓજી શાખાની ટીમે કાનાલુસમાં પહોંચી જઈ ઓચિંતો દરોડો પાડ્યો હતો જે દરોડા દરમ્યાન મુળ ગોપાલ ગંજ બિહારનો વતની રાજેશ કુમાર મસરીભાઈ ગુપ્તા, મધ્યપ્રદેશના જબલપુરનો વતની વિકાસ નીમાયાદાસ મહેશ્વરદાસ અને પશ્ચિમ બંગાળનો પ્રોબીર પ્રદીપ સરકાર નામના ત્રણ શખ્સો કે જેઓ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ પ્રેકટીશ કરવા અંગેની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી દવા આપી રહેલા નજરે પડ્યા હતા.  
જેથી એસઓજીની ટીમે ત્રણેય બોગસ તબીબોની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન-બાટલા અને એન્ટી બાયોટીક બાટલા, ડીસ્પોઝેબલ સિરીંજ વગેરે મળી કુલ રૂ. 5489ની માલ સામગ્રી કબ્જે કરી છે અને ત્રણેય સામે લાલપુર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે. ત્રણેય મુન્નાભાઈ એમબીબીએસ માત્ર 10 ધોરણ સુધી જ ભણેલા હોવાનું માલુમ પડ્યુ છે. જામનગર જિલ્લાના આરોગ્ય તંત્રને આ બનાવની જાણ કરાઈ છે. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઇ. એચ.બી. ગોહિલ, પી.એસ.આઇ. જે.બી. પટેલ તથા સ્ટાફના એ.એસ.આઈ. સુખદેવસિંહ જાડેજા, જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અનિરુધ્ધસિંહ ઝાલા, અશોકભાઈ સોલંકી, સોયબભાઇ મકવા, મયુદીનભાઈ સૈયદ, દોલતસિંહ જાડેજા, રમેશભાઈ ચાવડા, લાલુભા જાડેજા, દયારામભાઈ ત્રિવેદી અને સહદેવસિંહ ચૌહાણ વિગેરેએ કરી હતી.