31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન જામનગર જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત 
તમામ જાહેરસ્થળોએ ચેકિંગ હાથ ધરાશે 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં હાઇવે ફાર્મ હાઉસ વગેરે સ્થળોએ થર્ટી ફસ્ટની ઉજવણી સમયે કોઈ શખ્સો દારૂનો નશો કરીને છાટકા વેળા ન કરે ઉપરાંત કડક સુરક્ષા જાપ્તો ગોઠવાયેલો રહે તેના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કડક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને 4 ડીવાયએસપી અને 6 પીઆઇ તેમજ 33 પીએસઆઇની આગેવાની હેઠળ 450થી વધુ પોલીસ સ્ટાફને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જુદા-જુદા 14 જેટલા સ્થળો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને વાહનોનું બારીકાઈથી ચેકિંગ હાથ ધરાશે. 
જામનગર શહેરની જુદી-જુદી હોટલ અને ગાર્ડન રેસ્ટોરન્ટ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી હાઇવે હોટલ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ વગેરે સ્થળોએ નવા વર્ષને આવકારવા માટે ઉજવણી થાય છે તે તમામ સ્થળોએ શાંતિ પૂર્ણ રીતે કાર્યક્રમો થાય ઉપરાંત કોઈ આવારા તત્વો દારૂનો નશો કરીને છાટકા વેળા ન કરે આથવા જાહેરમાં દારૂનો નશો કરીને અવર-જવર ન કરે તેના ભાગ રૂપે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 
જામનગર શહેર અને જિલ્લામાં કુલ ચાર ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ 6 પીઆઇ અને 33 પીએસઆઇની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લાભરમાં 450થી વધુ પોલીસ કર્મચારીને સમગ્ર રાત્રી દરમ્યાન બંદોબસ્ત માટે કુકી દીધા છે તેમજ જામનગર શહેર અને જિલ્લામાં આવવા જવા માટેના મુખ્ય પ્રવેશ દ્વારો વગેરે મળી કુલ 14 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે અને તમામ ચેક પોસ્ટ ઉભી કરાઈ છે અને તમામ ચેકપોસ્ટ ઉપરથી નીકળનારા તમામ વાહનોનું બારીકાઈથી ચેકિંગ હાથ ધરાશે અને દારૂ પીને નીકળનારા એક એક શખ્સને શોધી કાઢવામાં આવશે અને તમામને પોલીસ લોકઅપમાં બેસાડી દેવામાં આવશે જે માટે સમગ્ર જિલ્લા ભરમાં પોલીસવેન તથા અન્ય વાહનો વગેરેને દોડતા કરાવાશે.
જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ વગેરે સ્થળોએ જ્યાં ગીત-સંગીતના કાર્યક્રમો ચાલતા હશે તે તમામ સ્થળે પોલીસનો બંદોબસ્ત મૂકી રાઉન્ડ લગાવવામાં આવશે. શાંતિ રીતે ઉજવણી ભલે થાય પરંતુ તેમાં કોઈને ખલેલ ન પહોંચે અને કાયદો અને વ્યવસ્થાનું પુરી રીતે સંચાલન થાય તેની કાળજી રાખવામાં આવશે દારૂનો નશો કરનારને શોધી કાઢવા માટેના ખાસ મશીનો આવી ગયા છે જેના દ્વારા હાઇવે રોડ પર પ્રત્યેકનું ચેકિંગ પણ કરાશે.