જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ઉપર ધ્રોલ નજીક હાઇવે રોડ પર આવેલી એક હોટલમાં રમકડું ખરીદવા પછી પૈસાની મામલે હોટલમાં તોડફોડ કરવા તેમજ ત્રણ કર્મચારીઓ ઉપર હુમલો કરવા અંગે એક મોટરકારમાં આવેલા ચાર અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ હતી જે પ્રકરણમાં પોલીસે ચાર શખ્સોને સીસી ટીવી કેમેરાની મદદથી પકડી પાડ્યા છે અને કાર કબ્જે કરી લીધી છે. 
જામનગર-રાજકોટ ધોરી માર્ગ ઉપર ધ્રોલ નજીક આવેલી રૂદ્ર નામની હાઇવે હોટલમાં બે દિવસ પહેલા રમકડું ખરીદ કર્યા પછી તેના પૈસા ચૂકવવાના મામલે એક ગ્રે કલરની કારમાં આવેલા ચાર શખ્સોએ હંગામો મચાવી હોટલમાં તોડફોડ કરી હતી જયારે હોટલના મેનેજર ભાવેશ તાલપરા સહિત ત્રણ કર્મચારીઓ ઉપર હુમલો કરી ચારેય શખ્સો ભાગી છૂટ્યા હતા.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જે સામગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ધ્રોલ પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજ નિહાળી ચારેય હુમલાખોરોને શોધી કાઢ્યા હતા. ધ્રોલ પોલીસ તપાસનો દોર આગળ ધપાવી જીજે 2 બીડી 5 નંબરની કાર કબ્જે કરી લીધી છે. જેમાં પોલીસની નંબર પ્લેટ પણ લગાડી હતી જે પણ કબ્જે લેવાઈ છે ઉપરાંત તોડફોડ કરવા આવેલા મેઘપર ગામના વતની મહાવીરસિંહ મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર દિલુભા જાડેજા, યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા અને બોટાદ પંથકના અભિજીતસિંહ ગોહિલની ધરપકડ કરી લીધી છે અને પોલીસ લોકઅપના દર્શન કરાવ્યા છે.