થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે દારૂના ધંધાર્થી સક્રિય 
જામનગર મોર્નિંગ - જામનગર :
જામનગરની એલસીબીની ટીમે જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાં દારૂ અંગે સફળ દરોડો પાડ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પસાયા બેરાજા ગામની વાડીમાં ઉતારવામાં આવેલો અધધ કહી શકાય તેટલો રૂ. 24.91 લાખની કિંમતનો 10980 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જંગી જથ્થો પકડી પાડ્યો છે અને એક દારૂના ધંધાર્થીની ધરપકડ કરી છે જયારે દારૂ મંગાવનાર અને સપ્લાયર કરનારા વગેરે અન્ય પાંચ આરોપીઓને ફરારી જાહેર કરાયા છે.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં આગામી નવા વર્ષના આગમનની ઉજવણીના ભાગરૂપે કેટલાક દારૂના ધંધાર્થીઓ સક્રિય બન્યા છે અને માતબર ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડ્યો છે જે દારૂનો જથ્થો શોધી કાઢવા તેમજ બુટલેગરોને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીની ટીમને સૂચના અપાઈ હતી જે અનુસાર એલસીબીની ટીમ હરકતમાં આવી ગઈ હતી.
જે દરમ્યાન જામનગર તાલુકાના શાપર ગામમાં વાડી ધરાવતા અને જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા રામદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતીયાઓ દ્વારા શાપર ગામમાં આવેલી વાડીમાં દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે અને તેનું ખાનગીમાં વેચાણ કરવાની પેરવી કરાવમાં આવી રહી છે જે બાતમીના આધારે ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે પસાયા બેરાજા ગામની સીમમાં આવેલી રામદેવસિંહની વાડીમાં ઓચીંતો દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમ્યાન વાડીમાંથી રામદેવસિંહ ઝાલા હાજર મળી આવ્યો હતો જયારે વાડીમાં સંતાડવામાં આવેલો રૂ. 18,57,600ની કિંમતનો 4694 નંગ 750 એમ એલ ઈંગ્લીશ દારૂની બાટલીઓનો જથ્થો જયારે 180 એમ એની 6336 નંગ ચપટા રૂ. 6,33,600ની કિંમતનો મળી કુલ રૂ. 2491200ની કિંમતનો ઈંગ્લીશ દારૂની બાટલીઓનો અધધ ખ શકાય તેટલો માતબર જથ્થો કબ્જે કરી લીધો હતો અને આરોપી રામદેવસિંહ ઝાલાની ધરપકડ કરી લીધી હતી.
ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનારા રામદેવસિંહ ઝાલાના ભાગીદારો પ્રહલાદસિંહ સોઢા (6353692473 રહે. પુનિતનગર), વિશ્વરાજસિંહ વાઘેલા (9773090871 રહે. શાંતિનગર), યશરાજસિંહ જાડેજા (9558185777 રહે. શાંતિનગર) વગેરે ત્રણને ફરાર જાહેર કરાયા છે. સાથો સાથ દારૂનો જથ્થો લઈને આવેલા પ્રહલાદસિંહ સોઢાના સગા કિશોરસિંહ જાડેજા અને 6351168931 તેમજ 9979981198 નંબરનો મોબાઈલ ધારક શખ્સ રાજસ્થાન પાસીંગના એક ટ્રકમાં ગત તા. 26-12-18ની રાત્રીના દારૂનો જંગી જથ્થો ઉતારી ગયા હોવાનું માલુમ પડતા તેઓ બંનેને પણ ફરારી જાહેર કરાયા છે. જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં દારૂ અંગે ગુન્હો દાખલ કરી ફરારી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઇ વી.વી. વાગડીયા, પીએસઆઇ કે.કે.ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઇ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરાવમાં આવી હતી.