જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં આજે વર્ષ 2018ના છેલ્લા દિવસે પણ વીજ ચેકિંગ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને શહેરના બેડી વિસ્તાર અને ગુલાબનગર ભક્તિનગર તેમજ એરફોર્સ રોડ પર જુદા-જુદા વિસ્તારોમાં 32 જેટલી વીજચેકિંગ ટુકડીઓને ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે. 
જામનગર પીજીવીસીએલ વર્તૂની કચેરી દ્વારા આજે વર્ષ 2018ના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે પણ વીજચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના સાત રસ્તા સબ ડિવિઝન પટેલ કોલોની અને દરબારગઢ સબડિવિઝન હેઠળની 32 જેટલી વીજચેકિંગ ટુકડીઓને ઉતારવામાં આવી હતી જેની મદદ માટે 12 લોકલ પોલીસ 16 નિવૃત આર્મીમેન તેમજ 3 વિડિઓ ગ્રાફરની મદદ લેવાઈ હતી. જામનગરના સ્લમ વિસ્તારો જેમકે બેડી વિસ્તાર, ગુલાબનગર, ભક્તિનગર અને એરફોર્સ રોડ વગેરે વિસ્તારોમાં આજે વહેલી સવારે આઠ વાગ્યાથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને ઠેર-ઠેર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે વીજ કંપની દ્વારા આજે ઓચિંતા વીજ ચેકિંગની કાર્યવાહીના પગલે વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.