રમકડું લીધા પછી રકઝક કરી મારકૂટ-તોડફોડ 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હાઇવે રોડ પર આવેલી હાઇવે હોટલમાં રમકડું ખરીદવા માટે આવેલા ચાર શખ્સોએ પોત પ્રકાશ્યું હતું હોટલના સંચાલક અને બે કર્મચારી ઉપર હુમલો કરી તોડફોડ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી કારમાં આવેલા ચાર શખ્સોએ પકડવા દોડધામ શરૂ કરી છે. 
મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં રહેતા અને લતીપુર ગામ પાસે પિયાવા ચોકડી નજીક રૂદ્ર હાઇવે હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ બાલાભાઈ તાલપરાએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાના ઉપર તેમજ હોટલમાં કામ કરતા બે કર્મચારીઓ સંજયભાઈ તેમજ રમેશભાઈ ઉપર હુમલો કરી હોટલમાં તોડફોડ કરવા અંગે એક કારમાં આવેલા ચાર અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદી હોટલમાં કાઉન્ટર ઉપર બેઠા હતા જે દરમ્યાન ગ્રે કલરની એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને એક રમકડું લઈને કારમાં વેસી ગયા હતા ત્યાર પછી પૈસા ચૂકવવા બાબતે રકઝક કરી હતી જે ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ કારમાંથી લોખંડના પાઇપ કાઢી ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જયારે કેટલીક ચીજવસ્તુને નુકશાન પહોચાડ્યું હતું. આ બનાવની ધ્રોલ પોલીસ મથકમાં નુકશાન પહોંચાડતા પોલીસ ફરિયાદ કરાઈ છે. ધ્રોલ પોલીસ હોટલના સીસી ટીવી કેમેરાની મદદથી તપાસ ચલાવી રહી છે. અને હુમલાખોરોને શોધી રહી છે.