જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે જે દરમ્યાન લાલપુર પોલીસ સ્ટેશન હેઠળના દારૂબંધી ભંગ અંગેના જુદા-જુદા કેસોમાં નાસ્તા-ફરતા પોરબંદર પંથકના બે આરોપી અને જૂનાગઢના એક આરોપી સહિત કુલ ત્રણ આરોપીની રાજકોટ આરઆરસેલની ટીમે બંને જિલ્લામાં ત્રાટકી ઝડપી લીધા છે જેને લાલપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વંથલીધારા ગામમાં રહેતા ભરત હમીરભાઇ કોડિયાતર નામના શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો છે જેમાં તેને ફરારી જાહેર કરાયો હતો જે આરોપીને રાજકોટ આરઆરસેલની ટીમે જૂનાગઢ પંથકમાં ઝડપી લીધો છે અને લાલપુર પોલીસમાં મથકમાં સોંપી દીધો છે.
ઉપરાંત પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બારવણ ગામમાં રહેતા દેવાભાઇ જીવાભાઈ મોરી તેમજ રાણાવાવ પંથકના બધાભાઇ કરમણભાઇ રબારી સામે પણ લાલપુર પોલીસ મથકમાં ગુન્હા દાખલ કરાયા હતા અને તેમાં બંને ફરારી હોવાથી રાજકોટ આરઆરસેલની ટીમે રાણાવાવમાં જઈ દરોડો પાડ્યો હતો અને બંને આરોપીઓને ઝડપી લઇ લાલપુર પોલીસ મથકને સુપ્રત કરી દેવાયા છે.