જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના ગાંધીનગર નજીક મોમાઈ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા નિલેશભાઈ કરોલીયા નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસના કારણે ગત 7મી ડિસેમ્બરે પોતાનું ઘર છોડ્યું હતું તેણે લખેલી ચિઠ્ઠીના આધારે ગુમ થનારના નાના ભાઈ દ્વારા જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 18 જેટલા વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાના ભાઈએ ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી 18 વ્યાજખોરો સામે ગુન્હો નોંધી એસઓજી શાખાને સોંપી દેવામાં આવી હતી.
દરમ્યાન એસઓજીની ટીમે ગુમ થનાર વેપારીની શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત 18 વ્યાજખોરો પૈકી મોમૈનગર વિસ્તારમાં જ રહેતા જોરૂભા નામના એક વ્યાજખોરની ધરપકડ કરીલીધી હતી ત્યાર પછી મોટી ખવાડીમાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નવલસિંહ જાડેજા નામના વધુ એક વ્યાજખોરની ધરપકડ કરી હતી જેની પુછપરછમાં વેપારીએ તેની પાસેથી ત્રણ લાખ રૂપિયા મિત્રતાના દાવે હાથ ઉછીના લીધા હતા જેનું લખાણ પણ કરી આપ્યું છે. ઉપરાંત તેના બદલાનો ચેક પણ આપ્યો છે તેમ જણાવી તે અંગેના કાગળો ન રજૂ કરાયા હતા. ત્યારપછી એસઓજીની ટીમે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભાને જામીન મુક્ત કર્યો હતો, આ પ્રકરણમાં વધુ 16 જેટલા વ્યાજખોરોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.