વિધાર્થીઓની પુરસ્કારની રૂ. 23 હજારની રોકડ ઉઠાવી ગયા 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક આવેલી આહીર કન્યા વિધાલયમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં પ્રવેશ કરી વિધાર્થીઓની પુરસ્કાર રૂપે મળેલી રૂ. 23 હજારની રોકડ રકમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે. 
મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલી આહીર કન્યા વિધાલયમાં શુક્રવારે રાત્રી દરમ્યાન કોઈ તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ ઓફિસની બારીની ગ્રિલના સળીયા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને માલ સમાન વેર વિખેર કરી નાખ્યો હતો ત્યારપછી ઓફિસની અંદર રહેલા કબાટને પણ તોડીનાખી અંદર રાખેલી વિધાર્થીઓને જુદી-જુદી કૃતિ માટે પુરસ્કાર રૂપે મળેલી રૂ. 23302ની રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા. કન્યા વિધાલયમાં કારકુન તરીકે ફરજ બજાવતા બેચરભાઈ દેવકરણભાઇ ભાલોડીયા સવારે શાળા ખોલવા માટે આવતા પોતાની ઓફિસમાં તોડફોડ થયેલી અને માલસામાન વેરવિખેર નજરે પડ્યા હતા ઉપરાંત રોકડ રકમની પણ ચોરી કરી લઇ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ધ્રોલ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.