એકની ધરપકડ : 18500ની મતા કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં વધુ એક ક્રિકેટનો ડબ્બો પકડાયો છે. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના ઘરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો પોલીસને હાથ ઝડપાઇ ગયો હતો અને જેની પાસેથી પોલીસે કલર ટીવી, સેટટોપ બોક્ષ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત રૂ. સાડા અઢાર હજારની માલમતા કબ્જે કરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નં. 52માં ભગવતી કૃપા નામના રહેણાંક મકાનમાં રહેતો વિજય પ્રાગજીભાઈ નંદા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી લીગ બોસ ક્રિકેટ લીગ ઉપર હારજીતનો જુગાર રમી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ ડિવિઝનના ડી દટાફે બપોરે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમ્યાન રહેણાંક મકાનમાં ઉપરોક્ત શખ્સ ટીવી પર મેચ નિહાળી મોબાઈલ ફોન મારફતે હારજીતનો સટ્ટો રમાડી રહેલો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી લઇ તેના કબ્જામાંથી મોબાઈલ ફોન, ટીવી, સેટટોપ બોક્ષ રૂ. 11000ની રોકડ રકમ વગેરે સહિત કુલ રૂ. 18500નો મુદામાલ કબ્જે કરી છે અને અન્ય ક્રિકેટનો સટ્ટો રમનારા શખ્સોના નામો જાણવા માટે વધુ પુછપરછ હાથ ધરી છે.   
આ કાર્યવાહી પી.આઇ. કે.કે. બુવળ, એસ.એચ. રાઠવા, પી.એસ.આઈ. પી.એ.પરમાર, એન.કે.ઝાલા, એમ.જે.રાણા, યોગરાજસિંહ રાણા, શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, ગૌતમભાઈ મકવાણા, આફ્તાબભાઇ સફીયા અને રામદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.