જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં પોલીસે જુદા જુદા બે સ્થળે દારૂ અંગે દરોડા પાડી 47 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીઓનો જથ્થો તેમજ એક સ્કૂટર કબ્જે કરી લઇ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે દારૂ સપ્લાય કરનાર એક બુટલેગરને ફરારી જાહેર કરાયો છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું જે દરમ્યાન જીજે 10 સીએલ 3872 નંબરના સ્કૂટર ઉપર અનિલ ઉર્ફે ટકો જયસુખભાઇ ચૌહાણ નામનો શખ્સ પસાર થતા તેને આંતરીને તલાસી લીધી હતી. જે તલાસી દરમ્યાન તેમના કબ્જામાંથી 18 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીઓ મળી આવી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી લઇ દારૂની બાટલી અને સ્કૂટર કબ્જે કર્યા છે જયારે દારૂનો જથ્થો સપ્લાયર કોણ છે તે અંગેની પુછપરછ કરતા તેણે નાગેશ્વર કોલોનીમાં રહેતા અનિલ પટેલનું નામ આપ્યું છે. જેથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે.
બીજો દરોડો રાંદલના વડ પાસે પાડ્યો હતો જ્યાંથી દારૂનો જથ્થો લઈને જાહેરમાં નીકળેલા અનિરુધ્ધસિંહ ઉર્ફે અનિયો ભીખુભા વાઘેલાને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી 29 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી મળી આવી હતી આથી પોલીસે રૂ. 14500ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી લઇ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.