એક પ્રૌઢાનું મોત : 20 જેટલા અન્ય ભાવિકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયાં : ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જતી વેળાએ સર્જાયો અકસ્માત જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-સમાણા રોડ પરથી આજે  બપોરના સમયે સ્વાધ્યાય પરિવારના મુસાફરો સાથેની ખાનગી બસ અકસ્માતે પલ્ટી જતા એક પ્રૌઢાનું મોત નીપજ્યું હતું જયારે અન્ય વીસેક જેટલા ભાવિકોને ઇજા પહોંચતા તાબડતોડ 108 દ્વારા જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પંચ બી પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ અકસ્માતના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને આજુબાજુના લોકો સાથે મળી સારવારમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગર-સમાણા રોડ પર આજે  બપોરે જામનગરના રામેશ્વરનગરથી સ્વાધ્યાય પરિવારના 60 જેટલા વ્યક્તિઓ જીજે 10 ડબ્લ્યુ 9591 નંબરની ખાનગી બસમાં સાંડિયા ઉપવન (વૃક્ષ મંદિર) તરફ જતા હતા દરમ્યાન ખાનગી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા નારાણપર ગામથી આગળ આવેલ ધોરીવાવ આ બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતા તેમાં બેસેલ પ્રફુલાબેન કિશોરભાઈ ધોકાઈ (ઉ.વ.60, રહે. રાજકોટ) નામના પ્રૌઢાનું ઘટનાસ્થળે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું જયારે ભટ ધનકુવરબેન નાનજીભાઈ(ઉ.વ. 60), કિરણબેન પોપટભાઈ, પુષ્પાબેન ચન્દ્રવતભાઈ(ઉ.વ. 34), ધાર્મીકાબેન (ઉ.વ. 50), ભૂમિબેન (ઉ.વ.17), વિમલ જેઠવા (ઉ.વ.10) અને પ્રભાબેન જેઠવા (ઉ.વ.35) સહિત વીસેક જેટલા સ્વાધ્યાય પરિવારના આ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલીક 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે.
આ બનાવની જાણ થતા પંચ બી પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને આજુબાજુના લોકોની મદદ વડે તાકીદે સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા.            
આ સ્વાધ્યાય પરિવાર સમાણા રોડ પર વૃક્ષ મંદિર આવેલું છે ત્યાં એક ધાર્મિક કાર્ય અનુસંધાને જઈ રહ્યો હતો આ વેળાએ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. 
આ અકસ્માતની જાણ થતા ઇજાગ્રસ્તોનાં પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે ખબર અંતર પૂછવા દોડી ગયા હતા.