દુકાનમાંથી 15 હજારની રોકડ લઇ ગયા 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર તાલુકાના નંદપુર ગામમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનની સાથે જ આવેલી દુકાનમાં હાથ ફેરો કરી રૂ. 15 હજારની રોકડની ઉઠાંતરી કરી હતી આ વેળાએ મકાન માલીક જાગી જતા તસ્કરોએ મકાન માલીક વૃધ્ધને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા જેઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નંદપુર ગામમાં રહેતા તેજાભાઈ બોરસદીયા કે જેઓ પોતાના ઘરમાંજ એગ્રો અને અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે જે ગઈ રાત્રે પોતાની દુકાન બંધ કરીને સુતા હતા જે દરમ્યાન મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના તાળા તોડી અંદરથી 15 હજાર રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી લીધી હતી. જે દરમ્યાન મકાન માલીક તેજાભાઈ જાગી ગયા હતા અને ઘરના ફળીયામાં આવી જતા ત્રણ તસ્કરો પૈકીના એક તસ્કરે હાથમાં ધોકો લઇ તેજાભાઈ પર હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ બનાવ પછી તેજાભાઇને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેઓને ફેક્ચર સહિતની ઇજા થઇ છે. પંચકોશી એ ડિવિઝન પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે નંદપુર ગામમાં તેમજ જામનગરની હોસ્પિટલમાં દોડી આવી હતી અને તેજાભાઈની ફરિયાદના આધારે ત્રણ અજ્ઞાત તસ્કરો સામે રૂ. 15 હજારની રોકડ રકમની ચોરી કરવા અંગે તેમજ હુમલો કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.