દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલ સીબીઆઈ ના અધિકારીનું ખિસ્સું કપાયું
જામનગર મોર્નિંગ - જામનગર
 દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામમાં ખિસ્સા હળવા થયાની બાબત આમ બની ગઈ છે. સમયાંતરે બનતી ઘટનાઓ વચ્ચે આજે દર્શને આવેલ દેશની ટોચની ઇન્વેસ્ટિગેશન એજન્સી CBIમાં ફરજ બજાવતા એક અધિકારીને ભટકી ગયેલ ગઠિયો કળા કરી ગયો હતો. મંદિર પરિસર આજુબાજુ રહેલ ગઠિયાએ અધિકારીના ખિસ્સાને સિફતતા પૂર્વ સાફ કરી માતબર રોકડ રકમ કાઢી ગયો હતો. જડબેસલાક સિક્યોરિટી વચ્ચે છુટા છવાયા ખિસ્સા કાતરુંઓ સુરક્ષા વ્યવસ્થાના ધજીયા ઉડાવતા આવ્યા છે. જેને લઈને યાત્રાધામમાં આવતા જતા યાત્રાળુઓમાં સ્થાનિકો પ્રત્યેનો વિશ્વાસ સતત ડગતો ચાલ્યો છે. ચકચારી બનેલ ચોરીની આ ઘટના અંગે અધિકારીએ માત્ર પોલીસમાં જાણ જ કરી છે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે.
ચારધામ પૈકીના દ્વારકા યાત્રાધામમાં દરરોજ ભાવિકોનો વિશાળ વર્ગ ભગવાન કાળિયા ઠાકરના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા મેળવે છે. હોળી અને જન્માષ્ટમીના ઉત્સવમાં તો અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. આજે વર્ષ 2019ના અંતિમ દિવસે અનેક પ્રવાસીઓથી યાત્રાધામ ઉભરાઈ ગયું હતું. ભાવિકોની ભીડનો લાભ લઇ અનેક ખિસ્સા કાતરુંઓ પવિત્ર યાત્રાધામની પ્રતિષ્ઠાને બટ્ટો લગાવતા આવ્યા છે. ત્યારે આજે યાત્રાધામના દર્શને આવેલ ટોચની ઇન્વેસ્ટિગેશન એજન્સી CBIનાં એક અધિકારીને ભટકી ગયેલ ગઠીયો ખિસ્સું કાપી ગયો હતો. ક્લાસ 2 અધિકારીને જાણ થઈ ત્યા તો મોડું થઈ ગયું હતું. આ ઘટના અંગે અધિકારીએ સ્થાનિક પોલીસમાં જાણ કરી હતી. જો કે આ ઘટનાની ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.