જાયવા ગામના મહિલાનું અકસ્માતે દાઝી જતા મોત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લામાં આત્મહત્યા-અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ દફ્તરે નોંધાયા છે જેમાં વિભાપરની સગીરા અને મેઘપર લેબર કોલોની ખાતે રહેતા પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા તેમજ જાયવા ગામના મહિલાનું અકસ્માતે દાઝી જતા મોત નિપજ્યાનું જાહેર થયું છે. 
મળતી વિગત મુજબ જામનગરના વિભાપર ગામે રહેતી રૂચિતાબેન પ્રફુલગીરી ગૌસ્વામી નામની 17 વર્ષની સગીરા કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ઘરે પંખામાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે આ બનાવ અંગે મૃતક સગીરાના માતા રંજનબેન ગૌસ્વામીએ બેડી મરીન પોલીસ મથકે જાણ કરતા હે.કો. આર.એલ. ઠાકરે સ્થળ પર દોડી જઈ આત્મહત્યા પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.  
જયારે મેઘપર ગામે રામદૂત નગર ખાતે રહેતા જોગેન્દ્ર વિનોદકુમાર મિશ્રા નામના 38 વર્ષના પરપ્રાંતીય યુવાને ઓરડી પાસે આવેલ ઝાળ સાથે સાલ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે કેતનભાઈ વલ્લભદાસ મોદીએ મેઘપર પોલીસમાં જાણ કરતા એએસઆઇ એસ.એમ.વાઢેર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
તેમજ ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા મીનાબેન પ્રવીણભાઈ કાસીયાણી નામના 46 વર્ષના મહિલા ગત તા. 17ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતા હોય આ વેળાએ અક્સ્માતે ગંભીર રીતે દાઝી જતા તેઓનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકના હે.કો. ભીમાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.