જામનગર મોર્નિંગ - ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપનો જે કેસ થયો હતો, તે મામલે વિજિલન્સ કમિશનરના આદેશથી અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણી સાથે વાતચીત કરતા અધિક સચિવ અનિલ પટેલે મોટા ભ્રષ્ટાચારની વાત કરી હતી. આ ઓડિયો ક્લિપના વાયરલ થવાના કારણે યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપના કેસ મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે અને જ્યાં સુધી આ મામલે વિજિલન્સની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ આ મામલે જામનગર મોર્નિંગ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, ખોટી રીતે સાચા અધિકારીને, સાચી વાત કહેનારા અધિકારીને રાજ્ય સરકાર દ્વારા આવી પનીશમેન્ટ આપવામાં આવે તો આ વસ્તુ ગેરવ્યાજબી કહેવાય. આ ખૂબ જ અયોગ્ય છે કારણકે જે ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતે એમણે સાચી વાત કરેલી છે મારી સાથે. આવતા સમયમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓમા આની ખરાબ અસર પડશે.
RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, આ ભ્રષ્ટાચારના પુરાવા એ ડિપાર્ટમેન્ટની અંદર જ છે. આ બધુ એક પછી એક ભ્રષ્ટાચારની વાત બહાર આવતા યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇડ પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. એક સાચા અધિકારી પોતાની વ્યથા અને સાચી વાત ન કરી શકે અને જો એ વાત કરે તો તેને આટલું મોટું પનીશમેન્ટ આપવામાં આવે તે ગેરવ્યાજબી વાત છે.
રાજ્ય સરકારને મારી એટલી વિનંતી છે કે, આ બાબતે ખરેખર તાત્કાલિક સસ્પેન્ડ કરવાની જે તજવીજ કરેલી છે, તેની જગ્યા પર આની અંદર જે ભ્રષ્ટાચારીઓ સંડોવાયેલા છે તેને ખુલ્લા પાડવાનું પ્રથમ કામ કરવું જોઈએ અને આની અંદર જે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરને જે એક જ વિભાગના અધિકારીને તપાસ સોંપી છે, આ તપાસ મારા ખ્યાલ મુજબ અયોગ્ય થવા જઈ રહી છે. આ તપાસ ઢાંકપીછોડો થવાની કોશિશ ચાલી રહી છે. આની અંદર વિજિલન્સ અથવા તો SIT બેસાડીએ તો જ આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવશે નહીંતર આ ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતાઓ નથી. યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્ર ત્રિવેદી અને રાજૂ ધ્રુવ જેવા પદાધિકારીઓએ હોદ્દા ધારણ કરેલા છે. હવે મને એવું લાગે છે કે, આની અંદર પક્ષના કોઈ વ્યક્તિઓની સંડોવણી બહાર ન આવે તેના માટે આ સંયુક્ત સચિવનો ભોગ લેવાયો છે પરંતુ સાચી વસ્તુ આવનારા દિવસોમાં બહાર આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હું પણ આજના દિવસમાં એક સોગંદનામું અને એફિડેવિટ રજૂ કરવાનો છું.