જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ચાલી રહેલા ક્રિકેટના સટ્ટાના નેટવર્ક ઉપર એલસીબીની ટીમ ત્રાટકી હતી અને એક બુકીની ધરપકડ કરી લઇ તેના મકાનમાંથી ક્રિકેટના સટ્ટાને લગતું રૂ. અડધા લાખનું સાહિત્ય કબ્જે કર્યું છે જયારે સટ્ટો રમનારા ગાંધીધામ, કચ્છ તેમજ પોરબંદરના બે બુકીઓને ફરારી જાહેર કરાયા છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં ઇચ્છેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા કૌશિક કનકરાય ઉપાધ્યાય નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર બિનઅધિકૃત રીતે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગબોશ 20-ટવેન્ટી ક્રિકેટ લીગ ઉપર હારજીતનો સટ્ટો ચલાવાઈ રહ્યો છે જે બાતમીના આધારે શુક્રવારે બપોરે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમ્યાન આરોપી કૌશિક ઉપાધ્યાય દ્વારા ટીવી પર મેચ નિહાળી મોબાઈલ ફોન વડે ગ્રાહકો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા અને લેપટોપમાં સટ્ટાના સોદાની એન્ટ્રી પાડતા નજરે પડ્યો હતો. આથી એલસીબીની ટીમે તેની ધરપકડ કરી લીધી હતી અને ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય લેપટોપ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. 49600ની માલમતા કબ્જે કરી લીધી હતી જયારે તેની પુછપરછમાં પોતે ગાંધીધામ-કચ્છના રણજીતસિંહ તેમજ પોરબંદરના ભરતભાઈ સાથે સોદાની કપાત કરાવતો હોવાથી તે બંને આરોપીઓને આ દરોડાના પ્રકરણમાં ફરારી જાહેર કર્યા છે અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા ભંગ બદલનો ગુન્હો દાખલ કરાવ્યો છે. 
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઇ વી.વી. વાગડીયા, પીએસઆઇ કે.કે.ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઇ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરાવમાં આવી હતી.