જામનગર મોર્નિંગ - દ્વારકા : મીઠાપુર ટાટા કંપનીના ગેઇટ પાસે બોક્સાઈટ ભરેલ ટ્રક હડફેટે આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. આ બનાવ અંગે ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકામાં ભીમરાણા ગામે આવેલ બીપીએલ સોસાયટી ખાતે રહેતા કારાભાઇ મેઘાભાઈ વારસાકીયા નામના વ્યક્તિ ટાટા કંપનીના કાંકરી ગેઇટ પાસે ઉભા હોય આ વેળાએ બોક્સાઈટ ભરેલ જીજે 10 ઝેડ 5457 નંબરના ટ્રક ચાલકે તેઓને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવ અંગે ટ્રક ચાલક પીઠાભાઇ કરશનભાઇ બગડા (રહે. મોટી ગોપ) સામે મૃતકના ભાઈ ઉમરાભાઈ મેઘાભાઈ વારસાકીયાએ મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઇન્ચાર્જ પી.આઈ. સી.બી. જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીવલેણ અકસ્માતના ત્રણ બનાવ બનવા પામ્યા છે.