જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં રહેતા એક બુઝુર્ગને સ્વાઇનફલુની બીમારીના કારણે સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારપછી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળતા ભારે દોડધામ મચી ગઈ છે. આ બનાવા પછી જામનગરનું આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે.
મળતી વિગત મુજબ જામનગરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા પ્રફુલચંદ્ર જંયતીલાલ કનખરા (ઉ.વ.60) કે જેઓ કિશાન ચોક વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવે છે. જેઓના તા. 19-12-18ના દિવસે તાવની બીમારીના કારણે સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓના લોહીના નમૂનાઓ લીધા પછી સ્વાઈનફ્લુના લક્ષણો જણાયા હતા.
દરમ્યાન તેઓને 23 ડિસેમ્બરે રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા અને તેમનો બ્લડ રિપોર્ટ પૃથ્થરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો જેનો ગત 24મી તારીખના રિપોર્ટ આવ્યો હતો. જેમાં તેનો સ્વાઇનફલુ પોઝિટિવ હોવાના અહેવાલ મળ્યા હતા અને રાજકોટની હોસ્પિટલમાં તાકીદની સારવાર ચાલી રહી હતી.
જે દરમ્યાન રાજકોટની હોસ્પિટલમાં બિછાને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જેથી 2018ના અંતમાં સ્વાઈનફ્લુના કારણે જામનગરમાં વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે આ બનાવની જાણ થતા જામનગરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મૃતકના પરિવારજનોમાં પણ શોક છવાયો છે જયારે મૃતદેહને જામનગર લઇ આવ્યા પછી મેડિકલની ટીમ દ્વારા બારોબાર વિધિ કરાઈ હતી.