જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : જામનગર તાલુકા જગા ગામમાં રહેતો અને ખેતીકામ કરતા એક ખેડૂત પ્રૌઢ ઉપર બાજુમાંથી વાડી ધરાવતા ત્રણ શખ્સોએ શેઢા ઉપર ફેન્સીંગ બાંધવાના પ્રશ્ને તકરાર કરી માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી ખુનની કોશીશ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે જયારે ખેડૂત પ્રૌઢને ગંભીર હાલતમાં સારવાર માટે જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા માવજીભાઈ ગોવિંદભાઇ નામના 50 વર્ષના પટેલ ખેડૂત પ્રૌઢ રવિવારે સવારે પોણા દશેક વાગ્યે પોતાના ખેતરની જમીનના શેઢે સિમેન્ટમાં થાંભલા ખોડી ફેન્સીંગ તૈયાર કરતા હતા જે દરમ્યાન બાજુમાં જ રહેતા ઈરફાન ઉર્ફે કારો હુસેનભાઇ ખેરાણી, સદામ હુશેન ખેરાણી તેમજ મુનાફ ઉર્ફે મુનો હુશેન ખેરાણી, વગેરે ત્રણ શખ્સો લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને અમારા રસ્તાની બાજુમાં શા માટે ફેંસીન્ગ કરો છો તેમ કહી તકરાર કરી હતી ત્યાર પછી ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં જીવલેણ હુમલો કરી ખુનની કોશીશ કરી હતી અને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ બનવા પછી માવજીભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ બનાવ અંગે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 324, 325, 307, 504, 506(2), 114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી ત્રણેય ફરારી આરોપીને પકડવા માટે દોડધામ કરી છે જગા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.