આરએસએસને ભ્રમ છે કે તેનું કદ દેશ કરતાં વિશાળ છે: કોંગ્રેસ અધ્યક્ષ

જામનગર મોર્નિંગ. નવી દિલ્હી:
કોંગ્રેસે "યુવા ક્રાંતિ યાત્રા"ના સમાપનમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઇન્કલાબ રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં પહોંચેલા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દરમિયાન બીજેપીનો પાયો મનાતા આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આરએસએસને ભ્રમ છે કે તેનું કદ દેશ કરતાં વિશાળ છે. તેઓ વિચારે છે કે દેશમાં જ્ઞાનના અધિકારી અને સ્ત્રોત તેઓ જ છે. જે તદન ખોટી વાત છે. આ દેશમાં જ્ઞાનનું એકમાત્ર સ્ત્રોત છે લોકો. તેમણે કટાક્ષ કર્યો હતો કે, કોંગ્રેસ સાવરકરનું સંગઠન નથી, જે અંગ્રેજો સામે આજીજી કરતા હતા, આ ગાંધી સંગઠન છે. અમે પીછેહટ નહી કરીએ, સામે રહીને લડીશું અને મોદીને દેશની અવાજ સંભળાવીશું. 
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ એવું સંગઠન છે જે અંગ્રેજો સામે લડ્યું હતું, જ્યારે આરએસએસના નેતાઓ તેમની પાસે દયાની ભીખ માંગતા હતા. રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં દેશમાં બેરોજગારીના મુદ્દાને લઇને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા, આ મામલે રાહુલે જણાવ્યું કે, દેશમાં રોજગારની સમસ્યા છે, ભારતમાં ખેતીની સમસ્યા છે અને મોદીજીએ સાબિત કરી દીધુ કે, તેઓ આ સમસ્યાઓના નિરાકરણમાં અસમર્થ છે. નોટબંદી, જીએસટીએ રોજગાર ખતમ કરી નાખ્યા છે. નોકરી મામલે પૂછતા મોદીજી 'ભજીયા' તળવાનું કહે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ "ચોકીદાર ચોર છે"ના નારા લગાવડાવ્યા હતા.
સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષે ગોવાના સીએમ સાથેની મુલાકાતનું વર્ણન કરતા રાફેલ મામલે મોદી સરકારને ઘેરવાના પ્રયત્ન કર્યા હતા.