અકસ્માત સર્જી ટ્રક સાથે ચાલક પલાયનઃ નોંધાવાતી રાવ

લાલપુર તાલુકાના ઝાખર ગામે ટ્રક હડફેટે યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અકસ્માત સર્જી ટ્રક સાથે ચાલક નાસી જતાં પોલીસે તેની સામે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી તલાસી આરંભી છે.
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના ઝાંખર ગામે રહેતા ગીરીરાજસિંહ હમીરજી જાડેજા (ઉ. ૪૨) નામના યુવાનને ઝાંખર ગામ તરફ જતાં રોડ પર આવેલ પઠ્ઠા પીરની દરગાહ પાસે જીજે-૩૭-ટી-૪૯૨૩ નંબરના ટ્રકચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી તેઓને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજા પહોંચાડતા ગીરીરાજસિંહ જાડેજાનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું, આ બનાવ અંગે મૃતકના ભાઇ મહિપતસિંહ હમીરજી જાડેજાએ મેઘપર પોલીસમાં ટ્રકચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા બનાવના સ્થળે અકસ્માત સર્જી ટ્રક સાથે ચાલક નાસી જતાં તેની સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.