જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદે બાંધકામો કરવામાં આવે છે અને આવા બાંધકામો જયારે કોઈ જાગૃત નાગરીકોની નજરમાં આવે ત્યારે આવા નિયમ વિરુધ્ધ થઈ રહેલ બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકામાં રજુઆત કરવામાં આવે ત્યારે ટીપીઓ શાખા દ્વારા આવા બાંધકામો દૂર કરવાને બદલે ટીપીઓના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા અરજદારને એનકેન પ્રકારે ઉઠા ભણાવતા હોય છે, કારણ કે ગેરકાયદે બાંધકામ કરનાર આસામીઓ સાથે આ ટીપીઓ વિભાગના ભ્રષ્ટ અને જવાબદાર લોકોએ બાંધકામ શરૂ થતા પહેલા જ "સેટીંગ" કરી લીધું હોવાને કારણે આ ભ્રષ્ટ તંત્ર કોઈપણ પગલાં લેવા માટે સક્ષમ રહેતું નથી. પરિણામે શહેરમાં અનેક જગ્યાએ કોંક્રીટના જંગલો ખડકાયેલા છે અને જેના પરિણામે શહેરમાં ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાય છે તે પાપનું મુળ કોઈ હોય તો તે મહાનગર પાલિકાનું ટીપીઓ વિભાગ જ છે. જે વાત સર્વવિદિત હકીકત હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કમિશનર દ્વારા હાથ ધરવામાં આવતી નથી તે જામનગરની જનતાની કમનસીબી છે.
જાગૃત નાગરિકો દ્વારા જ્યારે ગેરકાયદે બાંધકામ બાબતે મનપામાં ફરિયાદ કરવામાં આવે ત્યારે આ શાખાના ભ્રષ્ટ અધિકારીઓ ફરિયાદીને સારું લગાડવા અને તંત્ર કામગીરી કરી રહી છે, તેવું દેખાડવા માટે ગેરકાયદે બાંધકામ કરનારાઓને નોટીસો બજાવી દેતા હોય છે, અને નોટીસ મોકલ્યા પહેલાં જ બાંધકામ ધારકને મૌખીક સુચના આપતા હોય છે કે, નોટીસ આપે તો ચિંતા કરવાની જરુર નથી, આમ ટીપીઓ દ્વારા વ્યવસ્થિત કારસો રચી અરજદારને ટલ્લે ચડાવવામાં આવતા હોય છે, જેમાં કોઇ જવાબદાર આવા ગેરકાયદે બાંધકામો બાબતે સતત અને સતત રજૂઆતો કર્યે રાખે છે, અંતે આ ભ્રષ્ટ તંત્ર બાંધકામ ધારકને 260-1 તથા 260-2 ની નોટીસો આપી ખોડા દેખાડા કરી અને જવાબદારોનો બધો જ ટોપલો એસ્ટેટ શાખા ઉપર નાંખી દેતા હોય છે, અને એસ્ટેટ શાખા તો આવા બાંધકામો દૂર કરવાને બદલે ઉઘરાણાં ચાલુ કરી ગેરકાયદે બાંધકામોને રીતસર પ્રોત્સાહીત કરે છે, પરિણામે શહેરમાં અનેક ગેરકાયદે બાંધકામોના કારણે શહેરીજનોને ટ્રાફીક સહિતની અનેક પરેશાનીનો ભોગ બનવું પડે છે.