જામનગર મોર્નિંગ - જામનગર તા.22 : જામનગર ખાતે સમસ્ત ક્ષત્રિય વાઘેર જ્ઞાતીના સ્નેહમિલનનુ ભવ્ય આયોજન થયુ હતુ. વર્ષોથી ભગવાન દ્વારકાધિશ અને ક્ષત્રિય વાઘેર જ્ઞાતિ એકબીજાના અસ્તિત્વના પુરક રહ્યા છે, તેમના આ આદી ઈષ્ટદેવ ની સાક્ષીએ તેમના આર્શીવાદથી જ સૌપ્રથમ વખત ઓખામંડળની બહાર સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના સ્નેહમિલન અને સન્માન સમારંભનુ મોટાપાયે આયોજન થયુ હતુ. નાની બાળાઓ દ્વારા રાજાધિરાજ દ્વારકાધિશની સમક્ષ દિપ પ્રાગટય કરી શ્રીજી વંદના દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવ્યો હતો. મુખ્યત્વે 'સ્ત્રી સશક્તિકરણ' ને કેન્દ્રમા રાખીને આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામા આવી હતી.. જેમા જામનગર જિલ્લામાં કાર્યરત વાઘેર જ્ઞાતીના મહિલા સરકારી કર્મચારીઓનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ, સાથે-સાથે સરકારી ક્ષેત્રે નોકરીમા કાર્યરત પુરૂષ ભાઈઓનુ પણ માનદ સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને  સાચા અર્થમા અમલમાં લાવવા માટે અને મહીલા સશક્તિકરણ, કન્યા કેળવણી વિશે જાગૃતિ આપતા કાર્યક્રમો રજુ કરી સૌ લોકોને સ્ત્રી શિક્ષણનુ અનિવાર્ય મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. આ સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમમા કુ.સંજનાબેન ભુપતભા માણેક નામની કન્યાનો સાક્ષાત 'મા દુર્ગા'ની યાદ અપાવતો તલવાર રાસ  મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર રહ્યો હતો, તેનુ કારણ આ કન્યાની તલવાર ફેરવવાની વિદ્યુત વેગી ઝડપ અને એટલી નિપુણતા હતી કે જાણે હાથમા તલવારની બદલે 'વીજ લિસોટો' પકડી રાખ્યો હોય.! આ તલવાર રાસ ઉપસ્થિત સૌ લોકોને મંત્રમૂગ્ધ કરી દીધા હતા.! આ ઉમદા કાર્યક્રમને 'લક્ષ્યસિદ્ધિ' પર પહોચાડવા માટે જામનગર ખાતેના 'સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ, હાલાર સંગઠન'ના સભ્યોએ જબરદસ્ત મહેનત કરી હતી.

તસ્વીર અને અહેવાલ : ભૂપતભા માણેક, મીઠાપુર