અધિક જીલ્લા કલેક્ટરને રજૂઆત કરતા ખેડૂતો.


  • જેટકો કંપની દ્વારા કાલાવડ થી ભોગાત ૧૩૦ કી.મી માં ૪૦૦ કે.વી.ની નવી વીજ લાઈન ઉભી થઇ રહી છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૭ : ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન, જામનગર દ્વારા જામનગરના કાલાવડ સબ સ્ટેશનથી દેવભૂમિ દ્વારકાના ભોગાત સબ સ્ટેશન સુધી આશરે ૧૩૦ કિમીની ૪૦૦ કે.વી.ની વીજ લાઈન નવી ઉભી કરવાની કામગીરી હાલ થઇ રહી છે. જે વીજ લાઈન જામનગર અને દ્વારકા જીલ્લાના અનેક ખેડૂતોની ખેતીની જમીન માંથી પસાર થઇ રહી છે. જયારે જે ખેડૂતની જમીન માંથી વીજ લાઈન પસાર થઇ રહી છે તે ખેડૂતને વીજ કંપની તરફથી પ્રતિ પોલ દીઠ ૮૦ હજારથી ૧ લાખ ૩૫ હજાર રૂપિયા સુધી વળતર અપાઈ રહ્યું છે. કપાત થતી જમીનના ખેડૂત જેટકો કંપનીને વળતર કેટલું કાયદેશર મળવાપાત્ર થાય તે અંગેની લેખિતમાં બાંહેધરી માંગે છે ત્યારે કંપની તરફથી લેખિતમાં કોઈપણ જાતની બાંહેધરી કે સ્પષ્ટતા અપાતી ના હોવાથી ખેડૂતોમાં વીજ લાઈન કાર્ય અંગે રોષ જોવા મળી રહ્યો છે.

        ખંભાળીયાના ભીંડા ગામના રે.સર્વે નંબર - ૩૩૦ના ખાતેદાર ખેડૂત વાલીબેન ખીમાભાઈ કારેથા જણાવે છે કે અમારી ખેતીની જમીન માંથી ૪૦૦ કે.વી.ના હેવી વીજ પુરવઠાની લાઈન પસાર થઇ રહી છે અને પોલ પણ લગાવાઈ રહ્યો છે. પોલના હિસાબે અમારી જમીન કપાત થશે અને વીજ લાઈન અમારી જમીન માંથી પસાર થઇ રહી છે તેની નીચે અમારી ખેતીની જમીનમાં કામ કરતા અમારા ઘરના સભ્યો,મજુરોના જીવને કાયમી જોખમ રહેશે કેમકે વીજ લાઈનમાં ગમે ત્યારે અકસ્માત થઇ શકે અને હેવી વીજ પુરવઠો હોવાથી અકસ્માત પણ જીવલેણ બની શકે તેમજ અમારી આ ખેડવાણ જમીનમાં પસાર થઇ રહેલ વીજ લાઈન નીચે આવેલ કુવા અને બોર ઉંડા ઉતારવા મુશ્કેલ બનશે.

        ખેડૂત વધુ વાત કરતા જણાવે છે કે, અમારી જમીનમાં વીજ કંપનીના માણસો અમારી પરવાનગી વિના જ આવીને કામ ચાલુ કરી રહ્યા છે અને અમે જયારે વીજ કંપની પાસેથી વળતર અંગેની વાત કર્યે ત્યારે તેઓ મૌખિક ૮૦ હજારથી ૧ લાખ ૩૫ હજારની વચ્ચે મળી રહેશે તેવું જણાવે છે. વળતર અંગેની કોઈ પણ જાતની લેખિત બાંહેધરી આપતા નથી.

         ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન દ્વારા પસાર થઇ રહેલ વીજ લાઈન સંદર્ભે ભીંડા,કેનેડી અને ગોકળપર ગામના ખેડૂતો અધિક કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકા અને સાંસદ પૂનમબેન માડમને મળીને રજૂઆત કરી હતી કે કપાત થતી જમીનના ભાગમાં આજીવન વાવેતર કરી શકાય નહી કે બિનખેતી,ઔદ્યોગિક હેતુ માટે પણ વપરાસ થઇ શકે નહી તેમજ ખેતીની જમીન માંથી વીજ લાઈન પસાર થતી હોવાથી જીવલેણ અકસ્માતની કાયમી દહેશત રહેવા પામશે કુવા,બોર બનાવવા પણ મુશ્કેલ બનશે. જેથી ખેડૂતોને પોલ દીઠ - ૮ થી ૧૦ લાખ જેટલું વળતર મળવું જોઈએ તેવી વાત સાંસદ સમક્ષ ખેડૂતોએ કરી હતી.