જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં નેવી ડે ની ઉજવણી અંતર્ગત આઇએનએસ વાલસૂરા દ્વારા યોજાયેલી હાફ મેરેથોન દોડમાં જોશીલા જામનગરવાસીઓ જોશભેર દોડયા હતાં. ફૂલ ગુલાબી ઠંડીમાં બાળકો સાથે માતા-પિતા અને દાદા-દાદી સહિત 3000થી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો.હાફ મેરેથોનની સાથે રન ફોર ફન દોડમાં વિજેતા થયેલા સ્પર્ધકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર આઇએનએસ વાલસૂરા દ્વારા ન્યારા એનર્જી અને મહાનગરપાલિકાના સહયોગથી રવિવારે 21 કિલોમીટરની હાફ મેરેથોન,10 કિલોમીટરની દોડ અને 5 કિમીની રન ફોર ફન દોડ યોજાઇ હતી. શહેરના લાખોટા તળાવ પરથી શરૂ થયેલી હાફ મેરેથોન દોડને વાલસૂરાના વડા સી.રઘુરામ,10 કિમી દોડને ન્યારા એનર્જીના ડાયરેકટર સી.મનોહરન અને 5 કિમી રન ફોર ફન દોડને મનપાના કમિશનર સતીષ પટેલે લીલીઝંડી આપી હતી. હાફ મેરેથોનમાં 3000થી વધુ શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.લાખોટા તળાવ પરથી શરૂ થયેલી 21 કિમીની હાફ મેરેથોન દોડ પોલીસ હેડકર્વાટર ખાતે પૂર્ણ થઇ હતી.હાફ મેરેથોન દોડમાં ભાઇઓમાં સંજય ઘોષાલ, મહિલા વિભાગમાં શોભા પરમાર, 10 કિમી દોડમાં ભાઇઓમાં મોરસિંહ પરમાર અને મહિલા વિભાગમાં માજહી કાજલ, 5 કિમી રન ફોર ફનમાં ભાઇઓમાં બિનોદ ઓરાઅન અને બહેનોના વિભાગમાં શાલીની મિશ્રા વિજેતા થયા હતાં.વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
નેવી હાફ મેરેથોન દોડમાં શાળાના બાળકોની સાથે બહોળી સંખ્યામાં એનસીસી કેડેટસ,આર્મી,એરફોર્સ,સશસ્ત્ર સીમા બલ,જામ્યુકો,પોલીસના જવાનોએ ભાગ લીધો હતો.જેમાં બાળકોએ બેનરો સાથે ભાગ લઇ સાક્ષરતા,પ્રદૂષણ,બાળ મજૂરી,બેટી બચાવો અને બેટી પઢાઓના જાગૃતિના સંદેશ આપ્યો હતો.હાફ મેરેથોનમાં દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો.
જામનગર આઇએનએસ વાલસૂરા દ્વારા હાફ મેરેથોન દોડમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધને અનુસરી પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો.સ્પર્ધકોને કાગળના કપમાં પાણી આપવામાં આવ્યું હતું તેમજ નાસ્તો પણ કાગળના ડબ્બામાં આપવામાં આવી પ્લાસ્ટીક મુકિતનો સંદેશ આપવામાં આવ્યો હતો.