• પાલિકાના વાયદાઓથી ત્રસ્ત પ્રાણી પ્રેમીઓ સમસ્યાનું નિરાકરણ ના થતા આંદોલન કરવાનાં મૂડમાં
  • મહિનામાં 15 બનાવો બને છે અનેક વખત નદીમાં પડેલ અબોલ પશુ મૃત્યુ પામે છે નગરપાલિકાની બાઉન્ડરી પાસેથી જ નદી પસાર થાય છે.સઘળી હકીકત જાણવા છતાં પાલિકાનું મૌન સવાલો ઉભા કરે છે !


જામનગર મોર્નિંગ - ભાણવડ તા.11 : ભાણવડ વેરાડ નાકા પાસે નકટી નદીની નજીક થી જ બાયપાસ રોડ પસાર થાય છે જેથી વાહનોના 24 કલાકના અવરજવર ચાલુજ હોય અને નદી આજુ - બાજુ શાકભાજીની લારીઓ હોય જેથી વધેલું શાક ભાજી ત્યાંજ ફેંકી દેવાના કારણે બિનવારસુ ઢોર (ગૌ વંશો) આખો દિવસ ત્યાં જ પડયા પાથર્યા રહેતા હોય છે.


નદી અને રોડ એક બીજાને અડીને આવેલ છે જ્યારે રોડ પરથી વાહન પસાર થતું હોય ત્યારે આ નદીની ફરતે કોઈ પ્રકારની આડશ કે રેલિંગ ના હોય જેથી આવા અબોલ પશુઓ પોતાનું બેલેન્સ ગુમાવી દઈ અને કાદવ કીચડ વાળી નકટી નદી માં ખાબકે છે. આવા બનાવ એક માસ માં 15 વખત બને છે. 3 દિવસ પહેલા જ એક ધણખુંટ પડ્યો જેણે પછડાટ ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો અને ગઈકાલે પણ રાત્રે એક ધણખુંટ પડતા પ્રાણી પ્રેમી મિત્રો દ્વારા આ ધણખુંટને બહાર  કાઢી અને પ્રાથમિક સારવાર અપાઈ હતી. વારંવાર બનતા આવા બનાવોથી અસંખ્ય અબોલ પશુઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ નકટી નદી અને રોડ નગરપાલિકા પાસે જ આવેલ છે નગરપાલિકાની બારી ખુલ્લે તો પણ સામે નકટી નદી દેખાઈ આ વાત ની મૌખિક રજૂઆતો નગરપાલિકા ના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તેમજ કોર્પોરેટર્સ, ને કેટલીય વાર કરવા છતાં 15 દિવસ માં થઈ જશે જેવા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને આ રજૂઆતો છતાં કોઈ અઘીકારીઓ ના પેટ નું પાણી પણ ના હલતું હોય તેવું લાગી રહ્યું છે જેનો ભોગ આવા મૂંગા અબોલ પશુઓ બને છે ત્યારે આ નદી ને ફરતી રેલિંગ કરવા મા નહીં આવે તો આગામી સમયમાં મજબૂત આંદોલન કરવાનું પ્રાણી પ્રેમીઓ જણાવી રહ્યા છે.