જામનગર મોર્નિંગ - ભાણવડ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ મુકામે ભૂતવડ દાદા મંદિર નજીકનાં ગ્રાઉન્ડમાં આગામી તારીખ 28મી ફેબ્રુઆરીએ યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ભાણવડ તાલુકાની 16 તાલુકા પંચાયત સીટ અને 4 જીલ્લા પંચાયત સીટ અંગેની જાહેરસભા યોજાઈ હતી.
આ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું, કેન્દ્ર અને રાજ્યસરકારમાંથી સ્થાનિક કક્ષાએ થતા વિવિધ વિકાસના કામો અંગેની ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચારમાં નરેન્દ્ર મોદી સરકારએ કાબુ મેળવ્યો છે. સરકારની ગ્રાન્ટ કોઈ પણ જાતના કમિશન કે હપ્તા આપ્યા વિના સીધા જે તે લાભાર્થીના ખાતામાં જમા થાય છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્યમાં બંનેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે સ્થાનિક કક્ષાએ પણ ભાજપને વિજેતા બનાવશો તો વિકાસ યાત્રા અવિરત ચાલતી રહેશે. નર્મદાના નિર છેક કચ્છના ખેતરો અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ પૂનમબેન માડમ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ પણ સરકારની વિવિધ યોજનાઓ, વિકાસના કામો અંગેની વાત કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં સમાવિષ્ટ થતી જીલ્લા પંચાયતની ચાર બેઠક અને તાલુકા પંચાયતની સોળ બેઠક આ તમામ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને ભારે બહુમતિથી વિજેતા બનાવવા માટે હાજર હજારની સંખ્યામાં જનમેદનીને અપીલ કરી હતી.
આ સાથે જ દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન જેઠાભાઇ છુછર,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કરશનભાઇ ભેડા, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમભાઇ રાવલિયા સહીત 200 જેટલાં કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પરષોત્તમ રૂપાલા દ્વારા તેમને કેસરિયો ખેસ પહેરાવી આવકર્યા હતા.
ભાણવડ ખાતે યોજાયેલ આ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ, ચેરમેન મુળુભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ મહામંત્રી મયુરભાઈ ગઢવી તથા શૈલેષભાઇ કણજારીયા, ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી તથા પાલભાઈ કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ કનારા, વીડી મોરી, દેવસી કરમુર, મેઘજી પીપરોતર વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. હજારોની સંખ્યામાં તાલુકાના ભાજપ કાર્યકરો જોડાયા હતા.
0 Comments
Post a Comment