• આસપાસના ચાર ગામોનાં ખેડૂતો દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને જનતા રેડ કરાઈ
  • પાણી ભરેલી નદીમાં બોટની અંદર જેસીબી ગોઠવીને ખનીજ ચોરીનું આચરાતું હતું મસમોટું કૌભાંડ
  • ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪ બોટ- બે જેસીબી મશીન- લોડર અને આઠ ટ્રેકટર સહિત સામગ્રી સીઝ કરાઈ


જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખનીજ ચોરો ફરીથી બેફામ બન્યા છે, અને ઊંડ નદી માંથી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાથી જોડીયા તેમજ આસપાસના ચાર ગામના ખેડૂતો દ્વારા આ મામલે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય તેવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કર્યા પછી ગઈકાલે ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ખનીજ ચોરીનું મોટું નેટવર્ક પકડાયું છે. જેસીબી મશીનો અને હિટાચી મશીન ગોઠવીને નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું. ખાણખનીજ વિભાગની ટીમે આઠ ટ્રેક્ટર, બે જેસીબી, બે લોડર અને ચાર બોટ સહિતની સામગ્રી સિઝ કરી છે, અને ખનિજ ચોરી અંગે નુ સર્વે કરીને તે અંગેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

 આ અંગેની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી ઉંડ નદી માંથી કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રેતીચોરી કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતાં જોડીયા ટાઉન ઉપરાંત કૂન્નડ, બાદનપર, અને આણદા ગામના ૫૦૦થી વધુ ખેડૂતોએ જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાને રજૂઆત કરી હતી.

 જે રજૂઆતના અનુસંધાને તાત્કાલિક અસરથી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી, અને ખેડૂતોને સાથે રાખીને જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું.

 જેના અનુસંધાને ગઈકાલે ખાણ ખનીજ વિભાગ અને આસપાસના ચારેય ગામના ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેડૂતો ખનીજ ચોરી ના સ્થળે પહોંચ્યા હતા. કૂન્નડ વિસ્તારમાં આવેલી નદી માં કે જ્યાં હાલ પાણી ભરેલું છે, ત્યાં અલગ-અલગ ચાર બોટ માં જેસીબી મશીન તથા હિટાચી મશીન ગોઠવીને નદીમાંથી રેતી નું ખનન કરવામાં આવી રહ્યું હતું. તેમજ ટ્રેક્ટર સહિતના વાહનોમાં ભરી ને મોટા પાયે રેતીચોરી કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 જેના અનુસંધાને ખાણ ખનીજ ખાતાએ તાત્કાલિક સ્થળ પર રોજ કામ કર્યું હતું, અને ચાર બોટ અને જીસીબી અને લોડર મશીન તથા ૮ ટ્રેક્ટર ઉપરાંત ૬૫ બેરલ સહિતની અનેક સામગ્રી સીઝ કરી હતી, અને ખનીજ ચોરો એ ઉપરોકત સ્થળે થી કેટલી ખનીજ ચોરી કરી છે તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જે સર્વે કરાયા પછી ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ કરાશે.

 હાલ જનતા રેડ સમયે ખનીજચોરો ભાગી છૂટયા હોવાથી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.