• જામનગર થી બનાસકાંઠા તરફ જઇ રહેલી કાર ને પુલ પર અકસ્માત નડતાં કારચાલક અને બાજુમાં બેઠેલા અન્ય વ્યક્તિ બન્ને એ જીવ ગુમાવ્યા

 જામનગર તા ૪, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગઇરાત્રે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે. બનાસકાંઠા પંથકના બે યુવાનો કારમાં બેસીને જામનગર થી બનાસકાંઠા તરફ જઇ રહ્યા હતા.જે દરમિયાન ધ્રોલ ટંકારા હાઈવે રોડ પર અકસ્માતે કાર પરથી કાબુ ગુમાવી દેતાં પુલની રેલિંગ સાથે ટકરાઇ ગઇ હતી, અને કારના ચાલક અને બાજુમાં બેઠેલા વ્યક્તિ બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજયા છે. આ સમગ્ર અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના થરાદ ના વતની અબ્બાસ ભાઈ ઉર્ફે હમિદભાઈ પીર મોહંમદભાઈ શેખ પોતાની જીજે-૮ બી.એસ. ૫૮૦૫ નંબરની કાર લઈને તે કારમાં બનાસકાંઠાના ચમનભાઈ કાનજીભાઈ પરમાર ને સાથે બેસાડીને જામનગર આવ્યા પછી ગઈકાલે રાત્રે જામનગર થી બનાસકાંઠા પરત જવા માટે નીકળ્યા હતા.

 જેઓની કાર ધ્રોલ-ટંકારા હાઈવે રોડ પર પહોંચ્યા લતીપર ગામ ની ગોળાઈ પાસે એકાએક કાર પરથી તેના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો, અને પૂરપાટ વેગે જઈ રહેલી કાર પુલની રેલિંગ સાથે ટકરાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે આ અકસ્માતમાં કારચાલક અબ્બાસભાઈ તેમજ બાજુની સીટમાં બેઠેલા ચમનભાઈ બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.

 આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને બંને મૃતદેહોને કારમાંથી બહાર કઢાવી ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતા, અને બંને મૃતદેહોને અંતિમવિધિ માટે તેમના વતન બનાસકાંઠા મોકલી દેવાયા છે. સમગ્ર અકસ્માત મામલે રોડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.