ઘાટલોડિયાના ધારાસભ્ય પેલી ટર્મમાં જ મુખ્યમંત્રી બન્યા: કમલમમાં ધારાસભા દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર મ્હોર લાગી

જામનગર મોર્નિંગ - ગાંધીનગર 


ઘાટલોડિયાના ધારાસભ્ય અને પૂર્વ સીએમ આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમ ખાતે આજે બપોરે કેન્દ્રીય નિરીક્ષકો તેમજ પ્રભારી સહિત ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં સીએમ પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર મ્હોર મારવામાં આવી હોવાનું જણાવાયું છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ફરી એક વખત પાટીદાર મુખ્યમંત્રીનું કાર્ડ ઉતર્યું છે. ભૂપેન્દ્ર પટેલ અગાઉ ઔડામાં ચેરમેન તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે અને તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નિકટના તેમજ વિશ્વાસુ હોવાનું માનવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લેશે, નવા સીએમની શપથવિધિ સોમવારે યોજાશે.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ પાટીદાર સમાજની નારાજગી દૂર કરવા માટે કોઈ પાટીદાર નેતાને જ સીએમ બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. સીએમ પદ માટની રેસમાં મનસુખ માંડવિયા, નીતિન પટેલ, આર સી ફળદુ અને સી આર પાટીલ જેવા નામો ચાલી રહ્યા હતા.

જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે તેજ ઢબે તેમણે આ વખતે ગુજરાતના નાથ તરીકે માધ્યમોમાં ચર્ચાતા નામોને બદલે નવા ચહેરાને સીએમ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ 2017માં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં 1.17 લાખ મતની જંગી બહુમતિથી ધારાસભ્ય ચૂંટાયા હતા.  

ગુજરાતના નવા સીએમની પસંદગી માટે આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સવારથી ઉચ્ચ નેતાઓની દોડધામ જોવા મળતી હતી. બપોરે ધારાસભા દળના નેતાઓની બેઠક મળી હતી. બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું. તેમના સંબોધન બાદ નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવા તમામ ધારાસભ્યોએ મંજૂરી આપી હતી. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર યાદવની શપથવિધી આવતીકાલે યોજાશે