એન્ટી રેગિંગ કમિટીનું કડક પગલું: કસુરવાર 15 છાત્રોને રસ્ટિકેટ કરાયા: 6 છાત્રોને 1 વર્ષ માટે પરીક્ષા આપવાની મનાઈ: 9 છાત્રો હોસ્ટેલમાંથી 1 વર્ષ માટે સસ્પેન્ડ 

જામનગર મોર્નિંગ - જામનગર 


શિક્ષણ જગતમાં કલંક સમાન જામનગરની ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થી પર કરવામાં આવેલા રેગીંગના ધેરા પડઘા પડ્યા છે. ત્યારે કમીટી દ્વારા તપાસ પૂર્ણ કરી ઈન્ચાર્જ પ્રિન્સીપાલને રિપોર્ટ સુપ્રત કરતાં બીજીવાર આવી ઘટના ન બને તે માટે અમુક સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકયા છે. જ્યારે અમૂકને સુધરવાની એક તક આપવામાં આવી છે.

મળતી વિગત મુજબ એક સપ્તાહ પહેલા રવિવારની રાત્રે જામનગરની ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં ત્રીજા અને


ચોથા સેમેસ્ટરમાં 15 જેટલા સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં 28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓને પરિચયના બહાને અડધી રાત્રે હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા હતા.

સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને અર્ધનગ્ન કરી ખુલ્લા શરીરે કડકડતી ઠંડીમાં બહાર ઉભા રાખી ઓળખ પરેડ લીધી હતી અને અમુક જુનિયર વિદ્યાર્થીઓને અર્ધનગ્ન હાલતમાં ઝાડ પર ચડાવ્યા હતા.

આ ઘટના અંગે રેગીંગનો ભોગ બનનારા વિદ્યાર્થીઓએ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ દિનેશ સોરાણી સમક્ષ લેખીત ફરિયાદ કરતાં રેગીગની ઘટનાનું સત્ય જાણવા કમિટીની રચના કરવામાં આવી હતી.

તપાસ કમિટી દ્વારા ગઈકાલે ઈન્ચાર્જ પ્રિન્સીપાલને તપાસનો અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં રેગીગની ઘટના સાચી હોવાનું જણાવતા બીજીવાર આવી ઘટના ન બને તે માટે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તગેડી મૂક્યા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓને સુધરવાની એક તક આપી છે. પરંતુ, તેઓના પરિણામ અનામત રાખવામાં આવશે. જ્યારે અમૂક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે પરિક્ષા આપવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

6 વિદ્યાર્થી કાયમી અને 9ને 1 વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીકેટ

જામનગર ફિઝિયોથેરાપી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.દિનેશ સોરાણીએ તમામ સિનિયર વિદ્યાર્થીઓને સજા ફરમાવી છે. જેમાં છ વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી અને એક વર્ષ માટે તેઓની પરિક્ષા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. જ્યારે નવ સિનિયર વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કર્યા છે અને પરિક્ષા પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓની વર્તણુક નહિં સુધરે તો તેઓના પરિણામ પણ અનામત રાખવાનો હુકમ કર્યો છે.

દોષિત વિધાર્થીઓના વાલીઓને બોલાવાયા 

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજના ચકચરજનક સામૂહિક રેગિંગ કાંડમાં એન્ટીરેગિંગ કમિટીએ જે-જે વિધાર્થીઓને દોષિત ઠરાવી સજા ફટકારી છે, તે તમામ છાત્રોના વાલીઓને પણ કોલેજમાં પ્રિન્સીપાલ પાસે રૂબરૂ આવી જવા આદેશ કરાયો છે, કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશભાઇ સુરાણીના કહેવા મુજબ આમ કરવાથી વાલીઓને તેમના સંતાનોના વર્તન અંગે રૂબરૂ વાત કરી શકાશે અને સમજ અપાશે. તેમજ ભવિષ્યમાં તેમના સંતાનો સારી વર્તુણકથી રહે તે માટે શીખ આપવામાં મદદરૂપ થઇ શકાશે.